ભોજન ન આપતાં ડ્રાઈવરે રેસ્ટોરન્ટમાં ટ્રક ઘુસાડી દીધી, વીડિયો વાયરલ
- પૂણે નજીક બની સમગ્ર ઘટના
- પોલીસે ટ્રક ચાલકને ઝડપી લીધો
પૂણેઃ જ્યારે ભોજન ન આપવામાં આવે ત્યારે પ્રાણીઓ ઘણીવાર વિકરાળ બની જાય છે, પરંતુ શું તમે ક્યારેય માણસોને ભોજન ન આપવા પર વિકરાળ બનતા જોયા છે? સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ટ્રક ડ્રાઈવરને પુણેની એક રેસ્ટોરન્ટમાં ભોજન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો, ત્યારે તેણે દારૂના નશામાં પોતાની ટ્રક રેસ્ટોરન્ટમાં ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી રેસ્ટોરન્ટ અને અહીં પાર્ક કરેલા વાહનોને ભારે નુકશાન થયું હતું.
પુણેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ભોજન ન મળતાં, એક ટ્રક ડ્રાઈવરે પોતાનો પિતો ગુમાવ્યો હતો, તેમજ પોતાની ટ્રક રેસ્ટોરન્ટમાં ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ડ્રાઈવર તેજ ગતિએ ટ્રકને રેસ્ટોરન્ટમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે વારંવાર ટ્રકને હોટલના દરવાજા અને દિવાલ સાથે અથડાવે છે, જેના કારણે ત્યાં પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન થાય છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. તેમજ ટ્રક ચાલકને ઝડપી લીધો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રક ડ્રાઈવર સોલાપુરથી પુણે જઈ રહ્યો હતો, આ દરમિયાન તે હાઈવે પર આવેલી એક હોટલમાં જમવા માટે રોકાયો હતો, જ્યાં રેસ્ટોરન્ટના માલિકે તેને કોઈ કારણસર ભોજન આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી ડ્રાઈવરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો અને તેણે બહાર જઈને પોતાની ટ્રક સ્ટાર્ટ કરી હતી. આ જોઈને
રેસ્ટોરન્ટમાં બેઠેલા લોકો અને કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. તેમજ ટ્રક ચાલકને રોકવા માટે બુમાબુમ કરી હતી. જો કે, કોઈનું સાંભળવાને બદલે તેણે રેસ્ટોરેન્ટમાં ટ્રક ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો.