- પોલીસે ડમ્પરચાલક અને તેના માલીક સામે પણ ગુનો નોંધ્યો,
- પૂરફાટ ઝડપે ડમ્પરે સાયકલસવાર વિદ્યાર્થીને ટક્કર મારી હતી,
- ડમ્પરના માલિકે લાયસન્સ ન હોવા છતાં ડ્રાઈવર તરીકે નોકરી પર રાખ્યો હતો
સુરતઃ શહેરમાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોના બનાવો બની રહ્યા છે. શહેરમાં ગઈ તા. 16મી નવેમ્બરના રોજ ગોરવપથ રોડ પર બેલ્જિયમ હબ નજીક સાયકલસવાર વિદ્યાર્થીને પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે અડફેટે લેતા વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ થઈ હતી. આ બનાવમાં પોલીસે તપાસ કરતા જે ડમ્પરચાલકે અકસ્માત કર્યો હતો. તેના ચાલક પાસે ડ્રાઈવિંગ લાયસન્સ પણ નહતુ. અને ડમ્પરના માલિકે ડ્રાઈવિંગ લાયસન્સ ન હોવા છતાંયે તેને નાકરી પર રાખ્યો હતો. આથી પોલીસે ડમ્પરના ચાલક અને તેના માલિક સામે ગુનો દાખલ કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌરવપથ રોડ પર થયેલા ગંભીર માર્ગ અકસ્માતના સંદર્ભમાં ડમ્પર ટ્રકના માલિક અને ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ડમ્પર ચાલક કમલેશ ફતભાઈ હથિયાલા લાઇસન્સ વિના વાહન ચલાવી રહ્યો હતો અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડમ્પરના માલિક રાજેશ સરદારભાઈ ઓડેએ ડ્રાઇવરને વાહન ચલાવવાની મંજૂરી આપી હતી. જોકે, તે જાણતો હતો કે ડ્રાઇવર પાસે માન્ય લાઇસન્સ નથી. પોલીસે ડમ્પરના માલિક સામે પણ બેદરકારી બદલ કેસ નોંધ્યો હતો.
પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના ગૌરવપથ રોડ પર ગઈ તા.16 નવેમ્બર, 2024 ના રોજ સવારે 15:15 વાગ્યે અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં GJ-21-W-2747 રજિસ્ટ્રેશન નંબર ધરાવતા ડમ્પરે ઉતાવળમાં અને બેદરકારીથી એક કિશોરને ટક્કર મારી હતી. 13 વર્ષનો વેદાંત તેની સાયકલ પર ટ્યુશનમાં જઈ રહ્યો હતો. પૂર ઝડપે ટ્રક ચલાવી રહેલા ડમ્પર ડ્રાઈવરે વેદાંતને ટક્કર મારી હતી, જેના કારણે તેના જમણા પગ અને માથા પર ગંભીર ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.વેદાંતના પિતાની ફરિયાદને પગલે પાલ પોલીસ સ્ટેશને ડમ્પર ચાલક સામે ભારતીય દંડ સંહિતાની કલમ 281,125 (એ) 125 (બી) અને મોટર વાહન અધિનિયમની કલમ 177,184,134 હેઠળ કેસ નોંધ્યો હતો.