અમદાવાદઃ શહેરના લોકો ઈ-બાઈક ચલાવીને પોતાના ગંતવ્ય સ્થાને પહોચે તે માટે નજીવા ભાડામાં ઈ-બાઈકની સેવા શરૂ કરવામાં આવી હતી. શહેરના જાણીતા વિસ્તારોના ચાર રસ્તાના ફુટપાથ પર ઈ-બાઈક મુકવામાં આવ્યા હતા. પરંતુ શહેરીજનો તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા આખરે આ-બાઈકની સેવાનો સંકેલો કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત ઈ-બાઈકના વેચાણમાં પણ ઘટાડો થયો છે. સરકાર દ્વારા પ્રદુષણ ઘટાડવાના હેતુથી ઈલેક્ટ્રિક વાહનોમાં સબસિડી આપવામાં આવે છે. પરંતુ લોકો દ્વીચક્રી વાહનોની ખરીદીમાં ઈ-બાઈકને પસંદ કરતા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં ઈ-બાઈક્સને જોઈએ તેટલો સારો રિસ્પોન્સ નથી મળ્યો, બાઈક ઉત્પાદકોનો ખર્ચ વધતો જાય છે અને શહેરોમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. તેના કારણે બેંગલોર સ્થિત ઈ-બાઈક કંપની Yulu એ અમદાવાદના માર્કેટમાંથી નીકળી ગઈ છે. કહેવાય છે કે, યુલુ (Yulu) એ લગભગ એક પખવાડિયા અગાઉ અમદાવાદને બાય બાય’ કહી દીધું છે. Yuluએ 2020માં કોવિડ અગાઉ અમદાવાદમાં એન્ટ્રી કરી હતી. પરંતુ વધતા કોસ્ટ અને નબળા પ્રતિભાવના કારણે કંપની માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું હતું. Yulu એ બેંગલોર સ્થિત સ્ટાર્ટઅપ કંપની છે. કોવિડ પછી તેનો યુટિલાઈઝેશન રેટ 60 ટકા જેટલો હતો, પરંતુ આમ છતાં તેને નફો થતો ન હતો. Yulu એ અમદાવાદમાં 350 ઇલેક્ટ્રિક બાઈક સર્વિસમાં મુકી હતી. પરંતુ સિંગલ એન્ટ્રી દ્વારા મલ્ટિપલ યુઝના કારણે સમસ્યા થઈ હતી. હવે ઇલેક્ટ્રિક બાઈક્સનો સમગ્ર કાફલો મુંબઈ લઈ જવાયો છે જ્યાં આ સર્વિસ સફળ રહી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું કે કોવિડના કારણે ઈ-બાઈક કંપનીને નેગેટિવ અસર થઈ હતી. લોકડાઉન પછી અમદાવાદમાં રાત્રી કરફ્યુ હતો તેના કારણે પણ બિઝનેસને ફટકો પડ્યો હતો. અમદાવાદમાં સાઈકલ માટે ખાસ લેનની સગવડ નથી. ઈ- બાઈકમાં ચાર્જેબલ બેટરી અને તમામ સેફ્ટી ફીચર્સ હતા. લો ગાર્ડન એરિયામાં હેપી સ્ટ્રીટ હેઠળ બહુ જોરશોરથી આ સર્વિસ લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ વસ્ત્રાપુર લેક અને અમદાવાદ મોલ પાસે બે સ્ટેન્ડ પણ બનાવ્યા હતા.પરંતુ યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. જોકે શહેરમાં MYBYK સર્વિસ સારી ચાલે છે. કંપનીએ કોવિડ પછી તેની સાઈકલની સંખ્યા 1000થી વધારીને 3500 કરી છે. શહેરમાં આ કંપની 350 બાઈક સ્ટેશન ધરાવે છે જેમાંથી 250 સ્ટેશન એકલા પશ્ચિમ એરિયામાં છે. મોટા ભાગના લોકો હેલ્થના કારણોસર આ સાઈકલોનો ઉપયોગ કરતા થયા છે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પ.ના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે શહેરમાં પબ્લિક બાઈક-શેરિંગ સિસ્ટમને જોઈએ તેટલો સારો પ્રતિસાદ નથી મળ્યો. તેમણે કહ્યું કે ત્રણ કંપનીઓએ અમદાવાદમાં આ સર્વિસ શરૂ કરી પછી તરત કોવિડ આવી ગયો. લોકડાઉનના કારણે પણ ભારે નુકસાન થયું હતું.