મુંબઈ: મહારાષ્ટ્રના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકની આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. EDના અધિકારીઓ સવારે 6 વાગ્યે નવાબ મલિકના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેની લગભગ એક કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ઘરે પૂછપરછ કર્યા પછી, અધિકારીઓ નવાબ મલિકને તેમની સાથે ED ઓફિસ લઈ ગયા હતા. જ્યાં પણ તેમની પૂછપરછ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઈડીની ટીમે એનસીબીના નેતા નવાબ મલિકની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ઈડીએ નવાબ મલિકને અંડરવર્લ્ડ સાથે કથિત સંબંધ ધરાવતી મિલકતના સંબંધમાં સમન્સ પાઠવ્યા હતા. હવે આ કેસમાં નવાબ મલિકની પૂછપરછ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા મલિક અહીં ED ઓફિસ પહોંચ્યા અને ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ (PMLA) હેઠળ તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું. EDએ 15 ફેબ્રુઆરીએ મુંબઈમાં દરોડા પાડ્યા હતા અને અંડરવર્લ્ડ પ્રવૃત્તિઓ, કથિત ગેરકાયદેસર ખરીદ-વેચાણ અને હવાલા વ્યવહારોના સંબંધમાં નવો કેસ નોંધ્યો હતો. જે બાદ મલિકની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
તપાસનીશ એજન્સીએ 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં 1993ના બોમ્બ ધડાકાના માસ્ટરમાઇન્ડ દાઉદ ઈબ્રાહિમની દિવંગત બહેન હસીના પાર્કર, ભાઈ ઈકબાલ કાસકર અને છોટા શકીલના સંબંધી સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રૂટની મિલ્કતનો સમાવેશ થાય છે. ઈડીએ હસીના પાર્કરના પુત્રની પણ પૂછપરછ કરી હોવાનું જાણવા મળે છે.