ગુજરાત યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી એજન્સીને અપાયેલા કોન્ટ્રાક્ટ સામે શિક્ષણ વિભાગ તપાસ કરશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપીને સિક્યુરિટી સેવા કેટલાય વર્ષોથી લેવામાં આવી રહી છે. ખાનગી સિક્યુરિટી એજન્સી દ્વારા ચોપડે વધુ ગાર્ડ બતાવી સ્થળ પર ઓછા ગાર્ડ મુકીને પુરા ગાર્ડનો પગાર લેવામાં આવતો હોવી ફરિયાદ ઊઠી છે. ઉપરાંત કેટલાય વર્ષથી ટેન્ડર થતા નથી અને યુનિવર્સિટીની પણ સંડોવણી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જે મામલે 2વર્ષ બાદ ઉચ્ચ શિક્ષણ કમિશન અને વિજિલન્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટીમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટ સંદર્ભે ગેરરીતિ થયાના આક્ષેપ થઈ રહ્યા છે. યુથ કોંગ્રેસના નેતા ડૉ.સુભાન સૈયદે 8 જુલાઈ 2019ના રોજ ગુજરાત યુનિવર્સિટીમાં ટેન્ડર પ્રક્રિયાથી ચાલી રહેલી એક સિક્યુરિટી એજન્સી સામે ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, સિક્યુરિટી એજન્સી દ્વારા ચોપડે 152 ગાર્ડ બતાવવામાં આવ્યા હતા. જેમાં મહિલા અને ગન મેનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેની સામે માત્ર 36 ગાર્ડ જ રાખવામાં આવ્યા છે. 36 ગાર્ડને પણ 24 કલાક નોકરી કરાવવામાં આવે છે. જે માનવધિકાર અને લેબર લૉ ના નિયમ વિરુદ્ધ છે. ઉપરાંત 3 વર્ષથી ટેન્ડર પ્રક્રિયા થતી નથી. જેમાં ગુજરાત યુનિવર્સિટીના એસ્ટેટ અધિકારીઓની સંડોવણી છે. સિક્યુરિટી એજન્સી દ્વારા 14થી 16 હજાર પગાર આપવાની જગ્યાએ 10થી 12 હજાર જ પગાર આપવામાં આવે છે. ગાર્ડના બેન્ક એકાઉન્ટ પણ તેમને આપવામાં આવતા નથી તેમના ખાતામાં પૈસા આવે તે એજન્સી દ્વારા સીધો ઉપાડી લેવામાં આવે છે,આમ સિક્યુરિટી એજન્સી અને યુનિવર્સિટીના કેટલાક અધિકારીઓ દ્વારા ગેરીરીતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અંગે યુથ કોંગ્રેસનાં નેતા ડૉ.સુભાન સૈયદે જણાવ્યું હતું કે, 2009થી એક સિક્યુરિટી એજન્સીને ટેન્ડર આપવામાં આવે છે, અત્યારે પણ ટેન્ડર પ્રક્રિયા વિના અગાઉની ટેન્ડર એકસ્ટેન્ડ કરી આપવામાં આવ્યું છે. ખાનગી એજન્સીની જગ્યાએ GISF જે સરકારી એજન્સી છે તેને સિક્યુરિટીની જવાબદારી સોંપવામાં આવે તેવી માંગણી છે જેથી ગેરરીતિ બંધ થાય તેવી રજુઆત કરવામાં આવી છે.