વર્ગખંડમાં અપાતુ શિક્ષણ દેશની ભાવિ પેઢીના નિર્માણની દિશા નક્કી કરે છેઃ રાજ્યપાલ
ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરુ-શિષ્યના સંબંધને મહત્વપૂર્ણ ગણાવી જણાવ્યું હતું કે, પ્રાચીન ભારતીય શિક્ષા પદ્ધતિમાં ઋષિમુનિઓના જ્ઞાન અને અનુભવ-ઉપદેશથી શિષ્યનું શ્રેષ્ઠ ઘડતર થતું હતું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન-IITE અને નેશનલ કાઉન્સિલ ઑફ ટીચર એજ્યુકેશન-NCTEનાં સંયુક્ત ઉપક્રમે નવી શિક્ષા નીતિ-2020 ઉપર યોજાયેલી ઓપન હાઉસ ચર્ચાનું રાજ્યપાલએ ઉદ્દઘાટન કરી માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની ભાવિ પેઢીના નિર્માણના ચિંતન સાથે નવી શિક્ષણ નીતિ-2020ની ઘોષણા કરી છે. તેમણે જણાવ્યુ હતુ કે, વર્ગખંડમાં આપવામાં આવતું શિક્ષણ જ દેશની ભાવિ પેઢીના નિર્માણની દિશા નક્કી કરે છે. પ્રાચીન ભારતીય ગુરૂકુળ શિક્ષા પદ્ધતિને શ્રેષ્ઠ શિક્ષા પદ્ધતિ ગણાવતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યુ હતું કે, અંગ્રેજોએ ભારતમાં પોતાનું શાસન મજબૂત કરવા પ્રાચીન શિક્ષા પદ્ધતિને ઘરમૂળથી પરિવર્તિત કરી નાખી. તેમણે જણાવ્યુ હતુ કે, ઉત્તમ ચરિત્ર, સમર્પિત જીવન અને સાંસ્કૃતિક જીવન મૂલ્યો સાથે શ્રેષ્ઠ બાળકનું નિર્માણ કરવું હશે, તો પ્રાચીન ભારતના શિક્ષણ-ચિંતન તરફ પાછું વળવું પડશે. નવી શિક્ષા નીતિમાં આ ચિંતન પ્રતિબિમ્બિત થાય છે.
શિક્ષકોની વ્યાવસાયિકતાના માપદંડ અને મેન્ટર તરીકેની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે રાજ્યપાલે જણાવ્યુ હતુ કે, પ્રાચીન ગુરૂકૂળો વ્યક્તિ નિર્માણના જ નહીં, કૌશલ્ય નિર્માણના પણ કેન્દ્રો હતાં. જ્ઞાનસંપદાથી સમૃદ્ધ ગુરૂનું જીવન જ શિષ્ય માટે ઉપદેશરૂપ હતું. રાજ્યપાલએ ઔદ્યોગિક એકમ જેવા બની ગયેલાં શિક્ષણ સંકુલો સામે ટકોર કરી જણાવ્યુ હતુ કે, શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શ્રેષ્ઠ માનવ નિર્માણનો છે. તેમણે નવી શિક્ષણનીતિના ચિંતનને ચરિતાર્થ કરવા સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલાં નેશનલ કાઉન્સિલ ઑફ ટીચર એજ્યુકેશન, નવી દિલ્હીના સભ્ય સચિવ સુશ્રી કેશાંગ શેરપાએ નવી શિક્ષણ નીતિ-2020માં શિક્ષણના સ્તરને ઉપર લઈ જવાના પ્રયાસરૂપે નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્સ ફૉર ટીચર્સ-NPST અને નેશનલ મિશન ફૉર મેન્ટરીંગ-NMMની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી, આ ઓપન હાઉસ ચર્ચા આ ક્ષેત્રે નવું દિશાદર્શન કરાવશે, તેમ જણાવ્યુ હતું.