Site icon Revoi.in

નારોલના વદ્ધાશ્રમના વડિલો કોરોનાગ્રસ્તો માટે રસોઈ બનાવી ટીફિન પહોંચાડે છે

Social Share

અમદાવાદ :  શહેરમાં કોઈપણ આફતના સમયે મદદ કરવા સેવાભાવી સંસ્થાઓ અને લોકો આગળ આવી જતા હોય છે. શહેરમાં કોરોના દર્દીને સમયસર જમવાનું મળી રહે તે માટે અલગ-અલગ વિસ્તારમાં મફત ટિફિન સેવા ચાલી રહી છે. ત્યારે શહેરના નારોલ ગામના જીવનધારા વૃદ્ધાશ્રમ પણ ભગીરથ કાર્યમાં જોડાયું છે. જીવનધારા વૃદ્ધાશ્રમમાં  મહિલાઓ સાથે કુલ 20 જેટલા પુરુષો પણ રસોડામાં મદદ કરે છે, જેમાં કોઈ ટિફિન પેક કરે છે તો કોઈ દર્દીઓને ઘર સુધી ટિફિન પહોચાડે છે. આશરે 50 થી 80 વર્ષના દાદા-દાદી દરરોજ સવારના 5 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવા કરી રહ્યા છે.
જીવનધારા વૃદ્ધાશ્રમના ભોજનાલયના સંચાલિકા બહેને જણાવ્યુ હતું કે, કુલ 40 જેટલા વડીલો આ કામમાં જોડાયા છે. જેમાં કેટલાક વડિલો ટિફિન પેક કરે છે તો કેટલાક વડિલો ટિફિન આપવા જાય છે. મોટા ભાગે મોટી ઉંમરની સ્ત્રીઓ પણ રસોડાના બધા કામ કરે છે. કોરોના ગ્રસ્ત દર્દીને અમે આ પ્રકારે વ્યવસ્થા આપી છે. શહેરમાં પરિસ્થિતિને જોતા હવે વૃદ્ધો પણ ટિફિન સેવા આપે છે. નારોલમાં આવેલા આ વૃદ્ધાશ્રમ દ્વારા શહેરના છેવાડાના વિસ્તાર લાંભા લક્ષ્મીપુરા, કમોડ, પીપલજ, નારોલ ઇસનપુર વટવામાં ટિફિન પહોચાડે છે. આ સિવાય મણિનગર, પાલડી, ચંદ્રનગર, ઉત્તમનગર અને શહેરની પોળ વિસ્તારમાં પણ ટિફિન સેવા પહોંચે છે. આ અંગે જીવનધારા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી સંદીપ શાહે કહ્યું હતું કે કોરોના કાળમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ટિફિન સેવા  પહોંચાડીએ છીએ.જેથી લોકોને રાહત મળી રહે. અમદાવાદમાં 2020ના માર્ચ મહિનાથી કોરોનાની શરુઆત થઈ હતી. બાદ શહેરના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સંખ્યા વધી ગઈ છે. નારોલના આ વૃદ્ધાશ્રમમાં કુલ 22 જેટલા વૃદ્ધોના નવા એડમિશન થયા પરંતુ આ પરિસ્થિતિમાં જ્યાં દીકરા દીકરીએ સાથ છોડ્યો એ જ વૃદ્ધો હવે અન્ય પરિવાર ને ટિફિન સેવા આપીને ખુશ રહે છે.