અમદાવાદમાં ત્રણ સ્થળે યોજાનારી મતગણતીના કેન્દ્રોની મુલાકાત લઈને ચૂંટણી પંચે કરી સમીક્ષા
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં યોજાનારી ચૂંટણીના મતદાન કેન્દ્રો અને મતગણતરીના કેન્દ્રોની તમામ તૈયારીઓ ચૂંટણી પંચે પૂર્ણ કરી દીધી છે. 8મી ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ મતગણતરી હાથ ધરાવાની છે ત્યારે અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે ત્રણ જગ્યાએ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચના અધિકારીઓએ મતગણતરી કેન્દ્રોની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાથી લઈને તમામ બાબતોની સમીક્ષા કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા.1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરએ બીજા તબક્કાનું મતદાન થશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર ,કચ્છ સહિત દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે મતદાન 1 ડિસેમ્બરે, જ્યારે અમદાવાદ અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિતની 93 બેઠકો માટે મતદાન 5 ડિસેમ્બરે થશે. જયારે 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે ત્રણ જગ્યાએ એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજ, ગુજરાત કોલેજ અને પોલિટેકનિક કોલેજમાં મતગણતરી કરાશે. જેની તૈયારીઓમાં તંત્ર લાગ્યું છે. શહેરના એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજ સહિત જગ્યાએ સ્ટ્રોંગરૂમ અને કાઉન્ટીંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન બાદ EVM મશીન મતગણતરી કેન્દ્રો પર લાવવામાં આવશે. અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં 8 ડિસેમ્બર સુધી EVM મશીન CCTVની દેખરેખમાં મૂકાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદના ત્રણેય મતગણતરી કેન્દ્રો પર અધિકારીઓ મતગણતરી કેન્દ્રમાં બેસીને મતગણતરી કરી શકે તેવી વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા કરાઈ રહેલી તૈયારીને પરિણામે મતગણતરી બાદ બપોરે 1 વાગ્યા સુધીમાં પરિણામનું ચિત્ર સ્પષ્ટ થતું હોય છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય અને ત્યાર બાદ મત ગણતરી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પણ સમગ્ર પ્રક્રિયા સુરક્ષા વ્યવસ્થા સાથે પૂર્ણ થાય તેની જહેમત ઉઠાવવામાં આવી રહી છે. (file photo)