અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજ્યભરમાં આચારસંહિતાનો અમલ શરૂવ થઈ ગયો છે. ચૂંટણી પંચે શહેરમાં ફરતી રિક્ષાઓ પાછળ રાજકીય પક્ષોના બેનર્સ કે પોસ્ટર મંજુરી વિના લગાવવા પર પ્રતિબંધ મુક્યા છે. છતાં પણ ઘણીબધી રિક્ષાઓ પાછળ રાજકીય પક્ષોના બોનર્સ અને પોસ્ટર જોવા મળી રહ્યા છે. અને આ અંગેની ચૂંટણી પંચને ફરિયાદો કરવા છતાં તેનો અમલ કે મોનિટરિંગ થતું ન હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં રિક્ષાઓ પાછળ રાજકીય પક્ષોના બેનરો અને પોસ્ટરો મંજુરી વિના લગાવ્યામાં આવ્યા હોવાની ફરિયાદો નોંધાયા બાદ કોઈ પગલાં લેવાતા નહીં હોવાનું જણાવી જિલ્લા ચૂંટણી વિભાગ સામે સવાલો ઊભા થયા છે. કોંગ્રેસ અને આપના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, કંટ્રોલરૂમમાં કર્મચારીઓ પોતાની રીતે કામ કરે છે. ફરિયાદોનું રોજબરોજ મોનિટરિંગ થવું જોઇએ, પરંતુ જિલ્લા ચૂંટણી અધિકારીઓ કોઇ નોંધ લેતા નથી. ચૂંટણી પંચે આપેલી સૂચના મુજબ પ્રત્યેક ફરિયાદો માટે અલગ અલગ કમિટીની રચના કરવા સહિત કંટ્રોલરૂમ ઉભા કરાયા છે. જેના સંપૂર્ણ સંચાલનની જવાબદારી જિલ્લા ચૂંટણી અધિકારીઓની છે. વિવિધ કામગીરીની વહેંચણી કરી હોવા છતાં ગત વખત કરતા આ વખતે અધિકારીઓ પર વધુ દબાણ હોવાનું મનાય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ કોઇ પણ વાહન પાછળ કે વિવિધ વિસ્તારોમાં નિયમ વિરૂદ્ધ રાજકીય પક્ષોના બેનરો હોય તો દૂર કરવાના હોય છે, પરંતુ અમદાવાદમાં હજી પણ કેટલાય વિસ્તારોમાં જાહેર કે સોસાયટીઓની દીવાલો પર ઉપરાંત જાહેર સ્થળોએ રાજકીય પાર્ટીના બેનરો તેમજ બોર્ડ જોવા મળી રહ્યા છે. જેની ફરિયાદ કંટ્રોલરૂમમાં કરવામાં આવ્યા પછી પણ દૂર થતાં નહીં હોવાનો કોંગ્રેસ અને આપના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો. (file photo)