ડીસામાં નેશનલ હાઈવે પર 200 કરોડના ખર્ચે બનેલા એલિવેટેડ બ્રિજ પર બે વર્ષમાં જ તિરોડો પડી,
ડીસાઃ ગુજરાતમાં નવનિર્મિત બ્રિજમાં ગાબડાં પડવાની કે તિરાજો પડવાની ઘટનાઓ વધી રહી છે. ડીસામાં નેશનલ હાઈવે પર રૂપિયા 200 કરોડના ખર્ચે બે વર્ષ પહેલા એલિવેટેડ બ્રિજનું નિર્માણ કરાયું હતું. આ બ્રિજ ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ ગણાય છે. આ બ્રિજ પરથી રોજના અંદાજે 10,000થી પણ વધુ વાહનચાલકો પસાર થાય છે. આ બ્રિજને બન્યાને માત્ર બે વર્ષમાં બ્રિજ પર તિરાડો જાવા મળી રહી છે. ત્યારે બ્રિજના કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
બનાસકાંઠાના ડીસામાં નેશનલ હાઈવે પર વાહનો સરળતાથી પસાર થઈ શકે તે માટે સરકારે બે વર્ષ પહેલા 200 કરોડ રૂપિયાના ખર્ચે એલિવેટેડ બ્રિજ બનાવ્યો છે. કહેવાય છે. કે, જ્યારે બ્રિજ બની રહ્યો હતો ત્યારે તેની કામગીરીને લઈને અનેક વિવાદ ઊભા થયા હતા. બ્રિજનું લોકાર્પણ કરાયાના માત્ર બે વર્ષના સમયગાળામાં જ આ બ્રિજ પર મોટી તિરાડો પડતા વાહનચાલકોમાં ભય ફેલાયો છે. આ બ્રિજ પરથી રોજના અંદાજે 10,000થી પણ વધુ વાહનચાલકો પસાર થાય છે. ત્યારે આ બ્રિજ પર પડેલી તિરાડોથી વાહન ચાલકોની સુરક્ષાને સવાલો ઊભા થયા છે. બ્રિજ પર તિરાડો પડ્યાની જાણ થતા જ નેશનલ હાઈવે ઓથોરિટીની દેખરેખ રાખનારી એજન્સી અને કન્સ્ટ્રક્શન કંપનીના સુપરવાઇઝર તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બ્રિજનું નિરીક્ષણ કરી ઉચ્ચ સ્તરે આગળની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી.
ડીસાના નાગરિકોના કહેવા મુજબ હાઈવે પરના એલિવેટેડ બ્રિજ પર તિરાડો પડી છે તેના કારણે ભવિષ્યમાં મોટું નુકસાન થઈ શકે છે. જેના કારણે વાહનચાલકોમાં પણ ભયનો માહોલ છે. બ્રિજ જ્યારથી બન્યો ત્યારથી વિવાદમાં રહ્યો હતો. જોકે બ્રિજ બનાવનારી કન્સ્ટ્રક્શન કંપનીના સુપરવાઇઝરએ જણાવ્યું હતું કે, બ્રિજમાં હાલ કોઈ જ પ્રોબ્લેમ નથી. નોર્મલ જે ક્રેક છે એ બધા બ્રિજમાં આવે છે. 15-15 મીટરમાં આવી ક્રેક આવવાની છે. કોઈ ગાડી ટકરાય તો પણ આવી ક્રેક થાય છે. આના માટે અમદાવાદથી ટીમ આવી રહી છે અને બ્રિજનું નિરીક્ષણ કરશે. આ નોર્મલ ક્રેક છે કોઈ મેજર ક્રેક નથી, બીજું કોઈ પ્રોબ્લેમ જેવું નથી.