સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર તાજેતરના વર્ષોનો ભાર બજેટમાં સ્પષ્ટપણે દેખાય છેઃ PM મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટમાં કરાયેલી જાહેરાતો પર ‘આત્મનિર્ભરતા ઇન ડિફેન્સ- કોલ ટુ એક્શન’ શીર્ષક હેઠળના બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું હતું. આ વેબિનારનું આયોજન સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન કહ્યું હતું કે, વેબિનારની થીમ ‘આત્મનિર્ભરતા ઇન ડિફેન્સ- કોલ ટુ એક્શન’ રાષ્ટ્રના મૂડને દર્શાવે છે. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાને મજબૂત કરવાના તાજેતરના વર્ષોના પ્રયાસો આ વર્ષના બજેટમાં સ્પષ્ટપણે દેખાય છે. ગુલામીના સમયગાળા દરમિયાન અને આઝાદી પછી તરત જ ભારતનું સંરક્ષણ ઉત્પાદન ઘણું મજબૂત હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય નિર્મિત શસ્ત્રોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. “જો કે, પછીના વર્ષોમાં, આપણાં આ પરાક્રમમાં ઘટાડો થયો, તેમ છતાં તે દર્શાવે છે કે ક્ષમતાઓની કોઈ કમી નથી, ન તો તે સમયે અને ન તો અત્યારે”.
વડાપ્રધાનએ વધુમાં જણાવ્યું કે, “વિશિષ્ટતા અને આશ્ચર્યજનક તત્વો ત્યારે જ બની શકે છે જ્યારે તમારા પોતાના દેશમાં સાધનો વિકસાવવામાં આવે”, આ વર્ષના બજેટમાં દેશમાં સંશોધન, ડિઝાઇન અને વિકાસથી લઈને ઉત્પાદન સુધીની ગતિશીલ ઇકોસિસ્ટમ વિકસાવવા માટેની બ્લૂપ્રિન્ટ છે. સંરક્ષણ બજેટના લગભગ 70 ટકા માત્ર સ્થાનિક ઉદ્યોગ માટે રાખવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રાલયે, અત્યાર સુધીમાં, 200થી વધુ સંરક્ષણ પ્લેટફોર્મ અને ઉપકરણોની સકારાત્મક સ્વદેશીકરણ સૂચિઓ બહાર પાડી છે. સ્થાનિક ખરીદી માટે 54 હજાર કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 4.5 લાખ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના સાધનોની પ્રાપ્તિ પ્રક્રિયા વિવિધ તબક્કામાં છે. ત્રીજી યાદી ટૂંક સમયમાં અપેક્ષિત છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાયબર સુરક્ષા હવે ડિજિટલ વિશ્વ સુધી સીમિત નથી રહી પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય બની ગઈ છે. “જેટલી વધુ આપણે સંરક્ષણ ક્ષેત્રમાં આપણી પ્રચંડ IT શક્તિનો ઉપયોગ કરીશું, તેટલા વધુ આપણે આપણી સુરક્ષાને લઈને આત્મવિશ્વાસ ધરાવીશું”. શસ્ત્રોની ગુણવત્તા અને ઇચ્છનીયતાને લઈને ઘણી મૂંઝવણ ઊભી કરવામાં આવી હતી. આત્મનિર્ભર ભારત અભિયાન આ સમસ્યાનો પણ સામનો કરે છે.
તેમણે ઉમેર્યું હતું કે “આપણે છેલ્લા 5-6 વર્ષમાં સંરક્ષણ નિકાસ 6 ગણી વધારી છે. આજે આપણે 75 થી વધુ દેશોને મેડ ઈન ઈન્ડિયા ડિફેન્સ ઈક્વિપમેન્ટ્સ અને સેવાઓ પ્રદાન કરી રહ્યા છીએ.” છેલ્લા 7 વર્ષમાં સંરક્ષણ ઉત્પાદન માટે 350 થી વધુ નવા ઔદ્યોગિક લાઇસન્સ જારી કરવામાં આવ્યા છે. જ્યારે 2001 થી 2014 સુધીના ચૌદ વર્ષમાં માત્ર 200 લાયસન્સ આપવામાં આવ્યા હતા.