Site icon Revoi.in

ગાંધીનગરઃ માલિકે બાકી પગારના રૂ. બે હજાર નહીં આપતા કર્મચારીએ કરી ઘાતકી હત્યા

Social Share

અમદાવાદઃ ગાંધીનગરની દહેગામ જીઆઈડીસીમાં પીવીસી પાઈપની ફેકટરીમાં તેના માલિકની બોથડ પદાર્થના ફટકા મારીને ઘાતકી હત્યા કરવાના ચકચારી બનાવમાં પોલીસે ફેકટરીના કર્મચારીની જ ધરપકડ કરી હતી. માલિકે બાકી પગારના રૂ. 2 હજાર નહીં આપતા તેમના અયોગ્ય વર્તનથી કંટાળીને કર્મચારીએ હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. માલિકની હત્યા કરીને ઓફિસમાંથી રોકડની લૂંટ ચલાવીને કર્મચારી બિહાર ભાગી ગયો હતો. શ્રમજીવીએ બોથડ પદાર્થના 35 જેટલા ફટકા મારીને ક્રુરતાપૂર્વક હત્યા કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના બાપુગર વિસ્તારમાં રહેતા ગૌત્તમ પટેલ દહેગામમાં પીવીસી પાઈપની ફેકટરી ધરાવતા હતા. 8મી જુલાઈના રોજ તેઓ ફેકટરી ગયા હતા. દરમિયાન ફેકટરીમાં જ તેમની હત્યા થઈ હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં મૃતકનો મોબાઈલ ફોન અને ઓફિસમાંથી 60 હજારની લૂંટ થયાનું ખૂલ્યું હતું. તેમજ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. દરમિયાન તેમની ઓફિસમાં કામ કરતા કર્મચારી અખિલેશ બિહારીની સંડોવણીના આધારે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.

અખિલેશના મોબાઇલ નંબર કોલ ડિટેઇલની તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચને એક કડી મળી હતી. જેના આધારે આરોપી બિહારમાં હોવાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ બિહાર રવાના થઈ હતી. જ્યાંથી આરોપીને ઝડપી લીધો છે. પોલીસની તપાસ દરમિયાન માલિકે બાકી પગારના રૂ. બે હજાર ન આપતા અને તેમના વર્તનથી કંટાળીને હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. જો કે, પોલીસે હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે આરોપીના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી છે. તેમજ આ બનાવમાં અન્ય કોઈની સંડોવણી છે કે, તેની પણ તપાસ શરૂ કરવામાં આવ છે.

(Photo-File)