Site icon Revoi.in

ગાંધીનગર સચિવાયલના કર્મચારીઓએ જુની પેન્શન યોજનાની માગ સાથે સરકાર સામે માંડ્યો મોરચો

Social Share

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે સરકારી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. જેમાં જુની પેન્શન યોજના લાગુ કરવા માટે રાજ્યભરના કર્મચારીઓ માગ કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં ધી ગુજરાત સચિવાલય ફેડરેશન અને તેની સાથે જોડાયેલા સાત જેટલા એસોશિયેશનો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે કાળા કપડા પહેરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ગુજરાત સરકારના કર્મચારીઓએ પોતાની પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડતના મંડાણ કર્યા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવી, બઢતીનો રેશીયો વધારવો અને રાહતદરે પ્લોટ ફાળવવા જેવા અનેક પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા કર્મચારી સંગઠનો દ્વારા સરકાર સમક્ષ અગાઉ પણ અનેકવિધ રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ છતાં સરકાર દ્વારા કોઇ ઉકેલ ન આવતા ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરી ગાંધી ચિંધ્યા માર્ગે લડત શરૂ કરવામાં આવી છે. આ લડતના ભાગરુપે ધી ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા 12 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી દરમિયાન કાળી પટ્ટી, કાળા કપડા પહેરી વિરોધ, કામકાજના કલાકોથી વધુ સમય ફાળવી પોતાની ફરજ બજાવવી તેમજ ધરણા સહિતના કાર્યક્રમોનું એલાન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ફિક્સ પગારની નીતિ અને જૂની પેન્શન યોજના લાગુ કરવા કાળા કપડા પહેરી ધી ગુજરાત સચિવાલય ફેડરેશન અને તેની સાથે જોડાયેલા સાત જેટલા એસોશિયેશનના હોદ્દેદારો અને પ્રતિનિધિઓએ સચિવાલય સંકુલમાં પ્રદર્શન કર્યું હતું.

રાજ્યના કર્મચારીઓ ઘણા વખતથી પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકારને રજુઆતો કરી રહ્યા છે.પરંતુ સરકાર તરફથી માત્ર આશ્વાસન મળે છે પણ પ્રશ્નોનું નિકારકણ કરાતું નથી. આથી રાજ્યભરના કર્મચારીઓએ સરકાર સામે લડતના મંડાણ કર્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના 503થી વધુ તલાટીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ સાથે આવેદનો આપ્યા હતા. જેમાં રાજ્યના તમામ કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવા, ફિક્સ પગારની યોજના મુળ અસરથી દૂર કરી પુરા પગારમાં ભરતી કરવા સહિતની માગણી કરવામાં આવી છે.