રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો માટે સરકારનું નાક દબાવી રહ્યા છે. હવે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના કર્માચારીને પણ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા સળવળાટ જાગ્યો છે. પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા વિવિધ 18 પડતર પ્રશ્નો અને માગણીઓ સંદર્ભે આવેદન પાઠવ્યા બાદ 13 પ્રશ્નો અંગે યોગ્ય પ્રતિભાવ ન મળતા ફરી આગેવાનોએ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાને મળવા સમય માગ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા તાજેતરમાં થયેલા કર્મચારી આંદોલન વેળાએ વિવિધ 18 જેટલા પડતો પ્રશ્નો અને માંગણીઓ સંદર્ભેદ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તે 18 પ્રશ્નો અંગે પાઠવવામાં આવેલા પ્રત્યુતરમાં કુલ 18 પૈકી 13 પ્રશ્નો અને માંગણીઓ સંદર્ભે યોગ્ય પ્રતિભાવ નહીં મળ્યાનો અથવા તો અમુક પ્રશ્નોમાં નકારાત્મક પ્રત્યુતર મળ્યાનું જણાતા યુનિયન ફરી મેદાને ઉતર્યુ છે અને આગામી સોમવારના રોજ મ્યુનિસિપલ કમિશનરને મળી ફરી રજૂઆત કરવામાં આવશે.
આ અંગે પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે મેલેરીયા શાખા, એએનસીડી શાખા, કન્ઝર્વન્સી વિભાગના કર્મચારીઓ, માટે જૂથ વીમો લેવાની રજૂઆત, એસએસઆઈને એસ ઓમાં બઢતી આપવાની રજૂઆત, તેમજ એસ.ઓ સંવર્ગની લાયકાતમાં સુધારો કરવા, કર્મચારીઓને ત્રણ લાખની મર્યાદામાં તબીબી સહાય ચૂકવવાની નીતિ નક્કી કરવા, અર્બન મેલેરિયા વિભાગના કર્મચારીઓને જૂથ વીમો આપવા, એએનસીડી વિભાગ તેમજ જોખમી આરોગ્ય લક્ષી કામગીરી કરતા કર્મચારીઓ માટે જૂથ વીમો લેવા, વહીવટી સેટઅપમાં વધારો કરવા વર્ગ–4માંથી વર્ગ–3માં લેવાની ખાતાકીય પરીક્ષાના ભરતીના નિયમોમાં સુધારો કરવા, વોકડા ગેંગ વિભાગના કર્મચારીઓનો જૂથ વીમો લેવા, એસઆઈ અને એસએસઆઈના પગારધોરણમાં વિસંગતતા દૂર કરવા સહિતના પ્રશ્નો અંગે નકારાત્મક અભિપ્રાય મળતા તેમજ માંગણીઓ ગ્રાહ્ય રાખવામાં નહીં આવતા અને અમુક બાબતો વિચારણા માટે પેન્ડિંગ રાખવામાં આવતા કર્મચારીઓમાં અસંતોષની લાગણી પ્રસરી ગઈ છે. ફકત પાંચ જ મુદ્દાઓ અંગે સંતોષકારક અને વ્યાજબી પ્રત્યુતર આપવામાં આવ્યું છે બાકીના 12 થી 13 મુદ્દાઓ જેમાં પડતર પ્રશ્નો અને માંગણીઓ છે તે અંગે હકારાત્મક અભિપ્રાય કે યોગ્ય કરવાની ખાતરી નહીં અપાતા સોમવારે યુનિયન ફરી મ્યુનિસિપલ કમિશનરને મળી આ મુદ્દાઓ અંગેની રજૂઆત દોહરાવશે.