- યુરોપમાં કોરોનાનું વધ્યું જોખમ
- એક જ અઠવાડિયામાં નોંધાયા સૌથી વધુ કેસો
- કોરોના મહામારીનું બન્યું કેન્દ્ર
દિલ્હીઃ- દેશભરમાં ફરી કોરોનાના કેસો વધતા હોય તેમ જોવા મળી રહ્યું છે તો હવે વિશ્વમાં પણ કોરોનાનું જોખમ વર્તાઈ રહ્યું છે.યુરોપમાં ફરી એકવાર કોરોના મહામારીનું કેન્દ્ર બની ગયું છે. WHOએ ચેતવણી આપી છે કે ગયા અઠવાડિયે કોરોના મહામારી શરૂ થયા બાદ યુરોપિયન દેશોમાં પ્રથમ વખત એક સપ્તાહમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. આ દરમિયાન લગભગ 20 લાખ કેસ નોંધાયા અને લગભગ 27 હજાર લોકોના મોત પણ થયા. ચીન અને અમેરિકામાં પણ કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે.
WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસે આ મામલે જણાવ્યું હતું કે,ક યુરોપમાં તાજેતરમાં કોરોના વાયરસના કારણે 27 હજાર લોકોના મોત થવા એ મોટી બાબત છે. વિતેલા અઠવાડિયામાં વિશ્વમાં કોરોનાથી થયેલા તમામ મૃત્યુમાંથી આ અડધાથી વધુ સંખ્યા છે. તેમણે કહ્યું કે, માત્ર પૂર્વી યુરોપમાં ઓછા રસીકરણ દર ધરાવતા દેશોમાં જ નહીં, પરંતુ પશ્ચિમ યુરોપમાં વિશ્વમાં સૌથી વધુ રસીકરણ દર ધરાવતા દેશોમાં પણ કોવિડ-19ના કેસ વધી રહ્યા છે.
ડબ્લ્યુએચઓના આરોગ્ય કટોકટી કાર્યક્રમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઈકલ રાયનએ જણાવ્યું હતું કે યુરોપમાં કેસોમાં વધારો થવાનું મુખ્ય કારણ તાપમાનમાં ઘટાડો પણ છે. રિયાને કહ્યું, રસીની ઉપલબ્ધતા હોવા છતાં, યુરોપમાં જે થઈ રહ્યું છે તે ‘વિશ્વ માટે ચેતવણી’ છે.
WHOના સાપ્તાહિક અહેવાલ પર જો નજર કરીએ તો, યુરોપિયન પ્રદેશમાં 1 થી 7 નવેમ્બર સુધીમાં 19 લાખ 49 હજાર 419 નવા કેસ નોંધાયા છે, જે નવા સપ્તાહમાં 10 ટકાનો વધારો કહી શકાય છે. બીજી તરફ ચીનમાં પણ મહામારી ફેલાઈ રહી છે અહીં 21 પ્રાંતોમાં કોરોના ફેલાયો છે. રશિયા અને કેનેડામાં પણ સ્થિતિ ઘણી ખરાબ છે. યુ.એસ.માં, કોરોનાથી છેલ્લા એક સપ્તાહમાં લગભગ 2 હજાર મૃત્યુ થયા છે.