Site icon Revoi.in

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાઓ હવે ઓનલાઈન લેવાશે, પેપેર ફુટવાનો ડર નહીં રહે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં પંચાયત સેવા પસંદગી મંડળ, જીપીએસસી તેમજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ ભરતીઓ માટે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. ભૂતકાળમાં પરીક્ષા પહેલા જ પેપર ફુટવાના બનાવો બનતા ફરીવાર પરીક્ષા લેવાની ફરજ પડી હતી. અને પેપર ફુટવાને મામાલે હોબાળો પણ મચ્યો હતો. ત્યારે રાજ્ય સરકારે તમામ ભરતી બોર્ડને પ્રશ્નપત્રો ફુટે નહીં તે માટે ફુલપ્રુફ વ્યવસ્થા ગોઠવવાની સુચના આપી હતી. દરમિયાન ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુદી જુદી ભરતી માટેની પરીક્ષાઓ ઓનલાઈન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષા પેપરલેસ રહેશે. વિદ્યાર્થીઓએ નિયત પરીક્ષા કેન્દ્રો પર જઈને કોમ્પ્યુટર પર ઓનલાઈન એક્ઝામ આપવી પડશે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી માટેની લેવાતી પરીક્ષાઓ ઓનલાઈન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લાખોની સંખ્યામાં ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય છે. ત્યારે એક જ દિવસે તમામ ઉમેદવારોની એક સાથે પરીક્ષા લેવી તે અઘરી બાબત છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પુરતી સંખ્યામાં કોમ્પ્યુટર ઉપલબ્ધ કરાવવા તે પણ વિચાર માગી લે તેવી બાબત છે. જો કે હાલ તો ઓનલાઈન પરીક્ષાનો નિર્ણય કરી દેવાયો છે.

ગૌણ સેવા પસંદગી મંડળના સૂત્રોના કહેવા મુજબ ઉમેદવારોની સંખ્યાને આધારે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જે પરીક્ષા અત્યાર સુધી માત્ર એક જ દિવસમાં લેવામાં આવતી હતી એમાં પણ ફેરફાર કરીને એક કરતાં વધારે દિવસ સુધી પરીક્ષા લેવા માટેની વિચારણા ચાલી રહી છે. જે નવી પરીક્ષા પદ્ધતિ અમલમાં આવશે, એમાં સંપૂર્ણપણે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે, એટલે કે પેપરલેસ પરીક્ષા લેવા માટેનું આયોજન કરાશે.  એકસાથે 15 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપી શકે એ પ્રકારે કોમ્પ્યુટરાઈઝ્ડ એક્ઝામ સિસ્ટમ અમલમાં લાવવામાં આવશે, જેની કામગીરી TCS કંપનીને સોંપવામાં આવશે. આમ, પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર આવવાને કારણે ગેરરીતિ કે પેપર લીક થવાના પ્રશ્નો ઉપસ્થિત થશે નહીં, એમ ગૌણ સેવા પસંદગી મંડળના સત્તાધીશો માની છે.