અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ શહેરમાં પ્રથમ ફેઝમાં કેટલાક વિસ્તારમાં હાલ મેટ્રો રેલ દોડી રહી છે અને આગામી દિવસોમાં અમદાવાદથી ગાંધીનગરના બીજા ફેઝની સેવાનો પણ પ્રારંભ થશે, જેથી ગણતરીની મિનિટોમાં જ મેટ્રો મારફતે અમદાવાદથી ગાંધીનગર પહોંચી શકાશે. આ ઉપરાંત સુરતમાં મેટ્રો રેલ દોડાવવાને લઈને કવાયત ચાલી રહી છે. દરમિયાન વડોદરા શહેરમાં પણ મનપા તંત્ર દ્વારા મેટ્રો રેલનું આયોજન કરવામાં આવી રહ્યાંનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર વડોદરામાં 43.2 કિમી વિસ્તારમાં મેટ્રો રેલનું નેટવર્ક પાથરવામાં આવશે, જે માટે રૂ. 5608 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. આ પ્રોજેકટ વડોદરા મહાનગપાલિકા કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી પૂર્ણ કરશે. જોકે આ અગાઉ શહેરમાં બી.આર.ટી.એસ દોડાવવાનું આયોજન ફ્લોપ થઇ ચુક્યુ છે. મેટ્રો ટ્રેન યોજના હેઠળ ફતેગંજથી પૂર્વ વિસ્તારના રિંગ રોડ સોમા તળાવ સુધી ત્યારબાદ તરસાલીથી વડસર-જૂના પાદરા રોડને પણ આવરી લેવાશે. પશ્ચિમથી પૂર્વ તરફના ગોત્રીથી ફતેગંજ સુધી અને ઉત્તર વિસ્તાર છાણીથી દક્ષિણ વડસર સુધીના વિસ્તારમાં થઇ 43.02 કિ.મી. વિસ્તારમાં મેટ્રો ટ્રેન શરૂ થશે. OG વિસ્તારમાં પણ મેટ્રો ટ્રેન શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે.
અમદાવાદ શહેરમાં હાલ મેટ્રો રેલ દોડી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ શહેરમાં મેટ્રોમાં લાખો મુસાફર દર મહિને મુસાફરી કરે છે. તેમજ વાર-તહેવારો અને વિશેષ દિવસે મેટ્રો સેવાના સમયગાળામાં વધારો પણ કરવામાં આવે છે.
(Photo-File)