અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રવાસીઓમાં રેકર્ડબ્રેક વધારો નોંધાયો છે. દરમિયાન પ્રવાસીઓની સુવિધા વધારવા માટે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને એરપોર્ટ પર મહિનાઓથી કામ ચાલી રહ્યું છે. વર્ષ 2023માં મુસાફરોને એરપોર્ટમાં બંને ટર્મિનલ મોટા, નવા પાર્કિંગ, મુસાફરો લેવા મુકવા માટેનો નવો રસ્તો અને મુસાફરોના આગમન તથા પ્રસ્થાન માટેના નવા દ્વાર જોવા મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર દિવાળી અને ત્યારબાદ પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થયો હતો. જેમાં એનઆરઆઈ પ્રવાસીઓની સંખ્યામાં પણ ખાસ્સો વધારો થયો હતો. હાલ એરપોર્ટ પર પ્રવાસીઓ માટે પુરતી સુવિધાઓ નથી. વિદેશ જતાં પ્રવાસીઓને એરપોર્ટ મુકવા કે રિસિવ કરવા માટે આવતા તેમના સંબંધિઓને તો એરપોર્ટ પર બેસવાની સુવિધા પણ નથી. વોશરૂમ કે પીવાના પાણીની પણ સુવિધા નથી. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિકાસના કામો મહિનાઓથી ચાલી રહ્યા છે. એરપોર્ટ પર ફલાઇટની અવરજવર વધી છે. સાથે મુસાફરોની સંખ્યા પણ વધી છે. જેને લઈને એરપોર્ટ ઓપરેટર દ્વારા અમદાવાદના બંને ટર્મિનલ પર અનેક સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2022 કરતા 2023નું એરપોર્ટ તદ્દન અલગ જોવા મળશે. વર્ષ 2023માં મુસાફરોને બંને ટર્મિનલમાં અનેક સુધારા વધારા જોવા મળશે. હાલ ડોમેસ્ટિક ટર્મિનલ છે તેમાં કામ ચાલી રહ્યું છે. જે 2023માં મોટું ટર્મિનલ જોવા મળશે. ઇન્ટરનેશનલ ટર્મિનલમાં પણ સુધારો ચાલી રહ્યો છે જેનું કામ પૂરું થતા ઈન્ટરનેશનલ ટર્મિનલ પણ મોટું થશે. પાર્કિંગ એરિયા અત્યારે છે તેના કરતાં મોટો જોવા મળશે. મુસાફરોને ટર્મિનલ સુધી લેવા મુકવા જવાના રસ્તાઓ પણ સુધારો ચાલી રહ્યો છે જેથી તે પણ નવા જોવા મળશે. આ ઉપરાંત મુસાફરોના એરપોર્ટમાં પ્રસ્થાન અને આગમન થવાના માર્ગ પણ નવા જોવા મળશે.
અમદાવાદ એરપોર્ટમાં ડિસેમ્બર મહિનામાં રોજ સરેરાશ 35,000 જેટલા મુસાફરો મુસાફરી કરી હતી. રોજ અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પર 250 જેટલી ફલાઇટની અવરજવર છે. ડિસેમ્બર સિવાય પણ 28,000ની આસપાસ મુસાફરો અમદાવાદથી અવરજવર કરી રહ્યા છે. ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષા માટે સરાહનીય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ફ્લાઈટના સુરક્ષિત ઉતરાણ અને ટેક-ઓફમાં પક્ષીઓની ગતિવીધીઓને દૂર કરવા નવીનતમ સૌર-સંચાલિત ફેરોઝ લાઇટ ટ્રેપ (FLT) સિસ્ટમ અપનાવવામાં આવી છે. આ પહેલથી એરપોર્ટ પર પક્ષીઓની હિલચાલથી ઉદભવતા અંતરાયો અંકૂશમાં આવશે. એરપોર્ટ પર પક્ષીઓની ગતિવીધીઓ દૂર કરવા માટે FLT પર્યાવરણ અનુકૂળ ટેક્નોલોજી છે. સૌર ઉર્જાથી ચાલતી ફેરોઝ લાઇટ ટ્રેપમાં પક્ષીઓની હિલચાલ અટકાવવા ખાસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર આવી અનેકવિધ પહેલો અને પ્રયાસોને કારણે 2022માં બર્ડહીટની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.