Site icon Revoi.in

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની સુવિધા શરૂ થશે, સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસીઓને લાભ થશે

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની સુવિધા ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજાને લાભ થશે. પરદેશ જવા માટે લોકોને નજીકના સ્થળેથી જ આવવા જવા માટેની સુવિધા મળી રહેશે. તેમજ ઝડપી પરિવહન અને માલસામાનની હેરફેર માટે આ સગવડ આશીર્વાદરૂપ બનશે.

રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદે આવેલા હીરાસર ગામે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક 15મી ઓગસ્ટ,2022થી શરૂ થઈ જાય તેવા પ્રયત્ન પુરજોશમાં ચાલી રહ્યા છે, તેમ રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આજે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છનું આ પહેલું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક હોવાથી પ્રોજેકટનું મહત્વ વેપાર ઉદ્યોગ ક્ષેત્ર માટે ઘણું વધી જાય છે.

હીરાસર ગામે એરપોર્ટ પરિસરની કમ્પાઉન્ડ વોલ બાંધવાનું કામ 90 ટકા પૂરું થઈ ગયું છે અને રન-વે તૈયાર થવાની અણી ઉપર છે. સંપાદન કરાયેલ જમીન ઉપર આવેલા ત્રણ ચાર મકાન ખસેડવાના હોવાથી તેમાં વસવાટ કરતાં લોકોને વૈકલ્પિક આશ્રય આપવાની કામગીરી હાલ ચાલી રહી છે. ટૂંક સમયમાં વિમાનના ટેક ઓફ અને લેન્ડિંગનું પરીક્ષણ પણ શરૂ થવાની ધારણા છે.