અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે કપાસના ભાવમાં રેકોર્ડ સર્જાયા બાદ ખરીફ સીઝનમાં કપાસનું સારૂએવું વાવેતર થયું છે. ખેડુતોને આશા છે, કે કપાસના સારા ભાવ મળશે. પરંતુ સારા વાવેતરને પગલે ભાવમાં ઘટાડો થયો છે. રૂના ભાવમાં જોરદાર તેજી પછી જે રીતે કડાકા બોલી રહ્યા છે એનાથી ભારે નુક્સાની કપાસ સાથે સંકળાયેલી સમગ્ર સાંકળને થઇ છે. ટેક્સટાઇલ પ્રોસેસર્સ પાસે નવા કામકાજ નથી રહ્યા અને ગ્રે કાપડનું ઉત્પાદન પણ ઠપ્પ થઇ ગયું છે. વાવેતર ખૂબ સારાં છે એ જોતા હજુ ભાવ તૂટવાની સંભાવના હોવાથી ટેક્સટાઇલ પ્રોસેસર્સની કામગીરીમાં હજુ મોટો ઘટાડો આવશે.એવું ટેક્સટાઈલના પ્રોસેસરો માની રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રૂના ભાવમાં કડાકો બોલી ગયા બાદ બજારમાં મંદીને કારણે ગ્રે કાપડની માગમાં પણ સોરોએવો ઘટાડો થતાં ટેક્સટાઈલ પ્રોસેસ ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે. જેમાં અમદાવાદના 150 ટેક્સટાઇલ પ્રોસેસર્સ, સુરતના 500, જેતપુરના 50થી વધુ પ્રોસેસર પાસે નવા કામ જ નથી. જૂના ઓર્ડરો પૂરાં કરવા પૂરતું જ કામકાજ કરી રહ્યા છે. રૂના ભાવ તેજીમાં 1.05 લાખ સુધી પહોંચ્યા હતા. તેનો ભાવ અત્યારે રૂ. 82 હજાર આસપાસ છે. રૂના ભાવના ઘટાડો થવાથી ગ્રે કાપડના ભાવ પણ ઘટી ગયા છે અને આથી ગ્રે કાપડના 132 બાય 72ના ભાવ 140 રૂપિયાથી ઘટીને 87 રૂપિયા જ રહ્યા છે. 30 બાય 30 ગ્રે કાપડના ભાવ રૂપિયા 98થી ઘટીને 87 થઇ ગયા છે. ગ્રે કાપડની દરેક કેટેગરીમાં સતત ઘટાડો જોવા મળે છે અને હજુ આગળ પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે, કારણ કે રૂનું બમ્પર વાવેતર થયું છે.દિવાળી સુધી નવો પાક બજારમાં આવી જશે જેથી નવા માલનો ભાવ ઓછો રહી શકે છે અને હાલ પણ ભાવ ઘટાડો થવાથી ખરીદારોએ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યા છે.
કાપડના વેપારી અને પ્રોસાસિંગ હાઉસ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોના કહેવા મુજબ કેમિકલની કિંમત પણ વધી ગઈ છે અને અન્ય કાચો માલ સતત વધે છે ત્યારે પ્રોસાસિંગની કામગીરી ઘણી જ નબળી પડી ગઇ છે. હવે રૂના ભાવ સ્થિર થાય ત્યારે જ નવી ખરીદી કરી શકાય તેમ છે કારણ કે રૂ ખરીદે તો પ્રોસાસિંગ બાદ પૂરતા ભાવ ન મળે એવી સ્થિતિ છે.