નવી દિલ્હીઃ સ્કુટર અને બાઈક સહિતના ટુ-વ્હીલર વાહનના ચાલકો માટે સરકાર દ્વારા હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલું જ નહીં કાયદાનું ચુસ્ત પાલન થાય તે માટે સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમ છતા અનેક વાહન ચાલકો હેલ્મેટ પહેરવાનું ટાળે છે. આવા વાહન ચાલકોની આંખો ખોલતો એક કિસ્સો મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે. મધ્યપ્રદેશમાં માર્ગ અકસ્માતની ઘટનામાં ટુ-વ્હીરની પાછળ બેસેલી યુવતીનું મોત થયું હતું. જેથી યુવતીના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. જો કે, માર્ગ અકસ્માતમાં ફરીથી કોઈ પોતાના સ્વજનને ના ગુમાવે તે માટે યુવતીની 13મી ધાર્મિકવિધી બાદ પરિવારજનોએ પોતાના ખર્ચે વાહનચાલકોમાં હેલ્મેટનું વિતરણ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના ઝિર્યા ગામમાં એક છોકરી તેના ભાઈ સાથે બાઇક પર જઈ રહી હતી. રસ્તામાં અકસ્માત થયો. જેમાં પાછળ બેઠેલી યુવતીને માથાના ભાગે ઈજા થતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાની યુવતીના પરિવારજનો આધાતમાં સરી પડ્યાં હતા. તેમજ દીકરીના અવસાન પછીની 13મી વિધિ વખતે અન્ય પરિવાર પોતાના સ્વજનને ના ગુમાવે તે માટે 40 જેટલા હેલ્મેટનું વિતરણ કર્યું હતું તેમજ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો વિનંતી કરી હતી.
મૃતક યુવતીના ભાઈ મંગલેશ પંવારે જણાવ્યું કે તેની બહેન રેખા અપરિણીત વિકલાંગ હતી. પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે સિલાઈકામ કરતી હતી. સિલાઈ મશીન તૂટી જતાં તે સિલાઈ મશીન રિપેર કરાવવા માટે તેના ભાઈ સાથે બાઇક પર ખંડવા જઈ રહી હતી. અભાપુરી ગામ પાસે વાહનની સામે અચાનક પશુ આવતા રેખાએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું, જેના કારણે નીચે પડી જવાથી તેણીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેને ખંડવાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ગંભીર હાલતને કારણે ઈન્દોર MY હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન રેખાનું મોત થયું. રેખાના તેરમાની ધાર્મિક વિધી બાદ 40 હેલ્મેટનું વિતરણ કર્યું હતું. રેખાના ભાઈ મંગલેશ પંવારનું કહેવું છે કે, રેખાએ હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ આજે તે જીવતી હોત.