લાહોર જેલમાં ભગતસિંહજીને ફાંસી આપનાર જલ્લાદનો પરિવાર હાલ પાકિસ્તાનમાં કરે છે વસવાટ
નવી દિલ્હીઃ ભારતની આઝાદીમાં અનેક મહાનુભાવોએ ભારત માતા માટે શહીદી વ્હોરી હતી. આ દેશભક્તોને ક્યારેય દેશની જનતા ભૂલશે નહીં. આવા જ મહાન દેશભક્ત શહીદ ભગતસિંહને વર્ષ 1931માં લાહોરની જેલમાં ફાંસીની સજા આપવામાં આવી હતી. ભગતસિંહને ફાંસી આપનાર જલ્લાદનો પરિવાર આજે પણ પાકિસ્તાનમાં વસવાટ કરી રહ્યો છે. આ પરિવાર આજે પણ પાકિસ્તાનમાં જલ્લાદનું જ કામ કરે છે. અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવવા માટે ભગતસિંહ સહિતના ક્રાંતિકારીઓએ આંદોલન છેડ્યું હતું. ભગતસિંહને ફાંસી આપનાર જલ્લાદના જ પરિવારના સભ્યએ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસીને માંચડે ચડાવ્યાં હતા.
ભારત માતાના લાલ શહીદ ભગતસિંહજીને આઝાદી પહેલા અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો બંનેને પાકિસ્તાનમાં ફાંસી આપવામાં આવી હતી. ભુટ્ટોની મૃત્યુદંડની સજા 1979માં ચલાવવામાં આવી હતી, શહીદે આઝમ ભગતસિંહજીને 48 વર્ષ અગાઉ 23 માર્ચ, 1931ના રોજ ફાંસી આપવામાં આવી હતી. ઇતિહાસના જુદા જુદા સમયગાળાની ઘટનાઓ હોવા છતાં, એક કડી આ બે ઘટનાઓને જોડે છે. ભગતસિંહજી અને ભુટ્ટોને લાહોરના જ એક પરિવારના બે સભ્યોએ ફાંસીના માંચડે ચડાવ્યાં હતા.
હાલ પાકિસ્તાનમાં વસતો મસીહ પરિવાર જ પાકિસ્તાનનો સત્તાવાર જલ્લાદ છે. આ પરિવારનો એક સભ્ય સાબીર મસીહ હજુ પણ પાકિસ્તાનમાં ફાંસી આપવાના વ્યવસાયમાં છે. તારા મસીહે ભુટ્ટોને રાવલપિંડીની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપી હતી. જ્યારે તેના પિતા કાલા મસીહે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સમયગાળામાં લાહોર જેલમાં ભગતસિંહજીને ફાંસી આપી હતી. સાબીર મસીહે જણાવ્યું હતું કે, ‘ફાંસી આપવી એ અમારો પરિવારનો વ્યવસાય છે’. મારા પિતા પોતે ફાંસી લગાવતા હતા, તેમના પિતા પણ ફાંસી લગાવતા હતા. અમારા પરદાદાઓ અને તેમની આગળની પેઢીઓ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સમયથી આ કામ કરતી આવી છે.
સાબીર મસીહના પૂર્વજોમાં કાળા અને તારા મસીહના નામ ઈતિહાસના પત્તામાં લખાયેલા છે. તારા મસીહને ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી આપવા માટે બહાવલપુરથી ફ્લાઇટમાં રાવલપિંડી લઈ જવામાં આવ્યો હતો. લાહોરના જલ્લાદે લોકપ્રિય નેતા ઝુલ્ફીકારને ફાંસી આપવાની ના પાડી દીધી હતી. રિપોર્ટ અનુસાર, તારા મસીહને 2 એપ્રિલ 1979ના રોજ જ સમન્સ મોકલવામાં આવ્યો હતો. તેણે બધી તૈયારીઓ કરવાની હતી. તેમને સરકારી વિમાન દ્વારા રાવલપિંડી મોકલવામાં આવ્યા હતા. ભુટ્ટોના મૃત્યુની જાહેરાત કરતું બ્લેક વોરંટ પણ એ જ વિમાનમાંથી રાવલપિંડી જેલના અધિકારીઓને મોકલવામાં આવ્યું હતું. આ ફાંસીની સજા આપવા માટે તેને જલ્લાદ તરીકે 25 પાકિસ્તાની રૂપિયા મળવાના હતા. 3 એપ્રિલની સવારે, તારા મસીહ રાવલપિંડીમાં એક રૂમમાં બંધ હતો. તેની સાથે એક પેશીમામ પણ હતો જેણે ફાંસી આપ્યા પછી ઇસ્લામિક રીતે અંતિમ સંસ્કાર કર્યા હતા.
ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પાકિસ્તાનના વર્તમાન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના દાદા અને બેનઝીર ભુટ્ટોના પિતા હતા. તેઓ 1973 થી 1977 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન હતા. લશ્કરી સરમુખત્યાર ઝિયા-ઉલ-હકે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની સરકાર ઉથલાવી હતી. તેમજ ઑક્ટોબર 1977 માં, તેમની સામે હત્યાના કેસમાં સુનાવણી શરૂ થઈ હતી. આ કેસમાં તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ તેમણે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમનો એજન્ડા તૈયાર કર્યો હતો. ભારત સાથે હરીફાઈ કરવાની હોડમાં ભુટ્ટોએ એ પ્રખ્યાત નિવેદન આપ્યું હતું કે, પાકિસ્તાનની જનતા ઘાસ ખાશે પણ તે પરમાણુ બોમ્બ ચોક્કસ બનાવશે.