સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવજીનું મંદિર જન્માષ્ટમીના દિને સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખૂલ્લું રહેશે
વેરાવળઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવના શ્રાવણ મહિનામાં દર્શન કરવાનું અનેરૂં મહાત્મય છે. જેમાં જન્માષ્ટમીના દિને મહાદેવજીના દર્શને અનેક ભાવિકો ઉમટી પડતા હોય છે. આથી સોમનાથ મહાદેવનું મંદિર જન્માષ્ટમીના દિવસે દર્શનાર્થીઓ માટે સવારે ચાર વાગ્યાથી રાત્રીના દસ વાગ્યા સુધી ખૂલ્લું રહેશે. ભાલકા તીર્થ મંદિરે જન્માષ્ટમી ઉત્સવનું લાઇવ પ્રસારણ રાત્રીના સાડા દસ વાગ્યાથી ટ્રસ્ટના ફેસબુક, યુટયુબ પેજ પરથી કરવામાં આવનાર હોય જેનો સર્વે ભાવિકોને સોશિયલ મીડીયા મારફ્તે લાઇવ દર્શન કરવા અનુરોધ કરાયો છે.
યાત્રાધામ સોમનાથમાં જન્માષ્ટમીના તહેવારોની રજાઓમાં અનેક ભાવિકો આજે રવિવારથી જ ઉમટી પડ્યા છે, આવતીકાલે તા.30 ઓગષ્ટને જન્માષ્ટમીના તહેવારમાં સોમનાથ મંદિર તથા અહલ્યાબાઈ નિર્મિત (જુના સોમનાથ) મંદિરમાં દર્શનનો સમય સવારે ચારથી સાડા છ, ત્યારબાદ સાડા સાતથી સાડા અગીચાર તેમજ બપોરે સાડા બારથી સાંજે સાડા છ અને રાત્રીના સાડા સાતથી રાત્રે દસ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મી નારાયણ મંદિર, ભીડભંજન મંદિર સવારે છ થી રાત્રે નવ વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લાં રહેનાર છે. મંદિરમાં સરકારની કોવિડની ગાઇડલાઇન મુજબ દરેક શ્રદ્ધાળુઓને ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા વિનંતી છે. તમામ મંદિરમાં આરતીમાં પ્રવેશ બંધ રહેશે.
આ ઉપરાંત ભાલકા તીર્થ મંદિર આવતીકાલ તા.30મી ઓગષ્ટને જન્માષ્ટમીના રોજ રાત્રે નવ વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. જન્માષ્ટમી ઉત્સવનું લાઇવ પ્રસારણ રાત્રે સાડા દસ વાગ્યાથી ટ્રસ્ટના ફેસબુક, યુટયુબ પેજ પર કરવામાં આવો સર્વે ભાવિકોને જન્માષ્ટમીનો ઉત્સવ ટ્રસ્ટના સોશિયલ મીડીયા મારફતે લાઇવ દર્શન કરવા વિનંતી છે. દર્શન માટે આવનાર ભાવિકોએ માસ્ક ફરજીયાત પહેરીને આવવાનું રહેશે. સોમનાથ મંદિરમાં દર્શન માટેનો પાસ લેવો ફરજીયાત છે. દર્શન પાસનું ઓનલાઇન બુકિંગ ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org પરથી કરવા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ એક યાદીમાં જણાવ્યુ છે