અમદાવાદ: આપણા દેશમાં સામાન્ય વર્ગના લોકો માટે સૌથી મોટી સમસ્યા એ છે કે મોંઘવારી ફટાફટ વધી રહી છે પણ તેમની આવકમાં એવો કોઈ ખાસ ફરક જોવા મળતો નથી. મોંઘવારીના કારણે હવે સામાન્ય વર્ગના લોકોની સ્થિતિ એવી થઈ છે કે શ્રાવણ મહિનામાં ઉપવાસમાં પણ જો તેમને એકવાર જમવું હોય તો પણ વિચાર કરવો પડે છે.
આની પાછળનું કારણ એ છે કે હાલમાં બજારમાં દરેક વસ્તુના ભાવમાં ત્રીસથી ચાલીસ ટકાનો વધારો જોવા મળે છે. બફવડા કિલો લેખે મળે તેમાં કંઈ ફર્ક નથી પડતો પરંતુ વેપારીઓએ પ્લેટમાં અપાતા બફવડા ઘટાડી નાખ્યા છે.
અગાઉ ચારથી પાંચ બફવડા અપાતા હતા તે ઘટાડીને હવે ત્રણ નંગ કરી નાખવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ બફવડાના ભાવોમાં રૂ.40 થી 60 સુધીનો વધારો થયો છે. ફરાળી ખીચડી પહેલા રૂ.260ની કિલો મળતી હતી તે અત્યારે રૂ.320 થી 380ની કિલો મળી રહી છે. ઉપરાંત વિવિધ ફરાળી બિસ્કિટો, ફરાળી પાત્રા સહિતની વસ્તુઓ બજારમાં વેચાણમાં મુકવામાં આવી છે. પરંતુ જંગી ભાવ વધારાના પગલે ફ્ળો અને ફરાળી વાનગી આરોગવી મોંઘી પડી રહી છે.
આ વખતનો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરવો લોકોને મોંઘો પડી રહ્યો છે. બજારમાં ખાદ્યતેલથી લઇને ફરાળી ચીજવસ્તુઓ અને ફ્ળોના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે. જેના પગલે ફરાળી વાનગીઓ પણ મોંઘી થઈ છે. ફરાળી ચીજ વસ્તુઓના કિલોના ભાવની વાત કરીએ તો સાબુદાણાના કિલોના ભાવ રૂ.85થી રૂ.90, રાજગરા લોટના રૂ.190થી રૂ.200, સિંગદાણા રૂ.150, સામો રૂ.110 અને જીરુંના ભાવ રૂ.700 છે.
ફરાળી ચીજ વસ્તુ સાથે એલચી, વરિયાળી, મરી મસાલા અને તેજાના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. શ્રાવણ મહિનામાં ફ્ળો પણ મોંઘા થયા છે. જે કેળા રૂ.50 ડઝનના મળતા હતા તે કેળાના ડઝનના ભાવ હાલ રૂ.90 છે. સફરજનના કિલોના ભાવ રૂ.200, પેરૂ રૂ.100, રાસબરીના કિલોના ભાવ રૂ.150 છે. ફરાળી ચીજવસ્તુ અને ફ્ળોના ભાવ બમણા થતા સામાન્ય માણસનું બજેટ ખોરવાઇ ગયું છે. વેપારીઓનું માનીએ તો દરેક ચીજવસ્તુઓનું ઉત્પાદન અને અછતના કારણે ભાવ વધી રહ્યા છે. વેર્ફ્સ, ફરાળી, પેટીસ અને ફરાળી ચેવડાના રો મટિરિયલ્સમાં 20થી 30 ટકાનો વધારો થયો છે.