Site icon Revoi.in

ભારતીય ક્રિકેટ ટીમના આ ખેલાડીને ક્રિકેટર બનાવવા પિતાએ છોડી હતી સરકારી નોકરી

Social Share

ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવું એક મોટો પડકાર છે. રણજી ટ્રોફી સહિતની વિવિધ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ જ ટીમ ઈન્ડિયા માટે રમવાની તક મળે છે. ઘણી વખત પરિવારજનોએ પણ પોતાના પુત્રને ટીમ ઈન્ડિયામાં રમતા જોવા માટે મોટો બલિદાન આપવો પડે છે. આવો જ ખેલાડી હાલ ભારતીય ક્રિકેટ ટીમમાં છે. જેના પિતાએ દીકરાને ક્રિકેટર બનાવવા માટે સરકારી નોકરી છોડી હતી. સરકારી નોકરી મેળવવા લોકો કંઈ પણ કરવા તૈયાર હોય છે ત્યારે આ સ્ટાર ખેલાડીના પિતાએ સરકારી નોકરી છોડી દીધી હતી. આ ખેલાડી બીજુ કોઈ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી છે. નીતીશ રેડ્ડીએ તાજેતરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી ત્રણ મેચની T20 શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

નીતિશના ટીમ ઈન્ડિયામાં પ્રવેશ પાછળ તેના પિતા મુત્યાલા રેડ્ડીની મોટી ભૂમિકા છે. ક્રિકબઝ સાથે વાત કરતા મુત્યાલા રેડ્ડીએ જણાવ્યું કે, તેમણે 25 વર્ષની સેવા બાકી હોવા છતા સરકારી નોકરી છોડી દીધી હતી. નીતિશ આઈપીએલ 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા જોવા મળ્યો હતો. તેણે સિઝનમાં બેટિંગ કરતા 303 રન બનાવ્યા અને બોલિંગમાં 3 વિકેટ લીધી. આ પ્રદર્શનથી નીતિશે ભારતીય પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું અને તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી ગઈ હતી. નીતીશે બાંગ્લાદેશ સામે રમાયેલી ટી20 શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે તેની કારકિર્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં 16* રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજી મેચમાં નીતિશે શાનદાર પ્રદર્શન કર્યું અને 74 રનની ઇનિંગ રમી અને 2 વિકેટ પણ લીધી હતી.