- ચીનના વુહાનમાં ફરી જોવા મળ્યો કોરોનાનો ખોફ
- આ શહેરમાં નવા કેસ મળતા ફરી લાગ્યા તાળા
- અન્ય શહેરોમાં પણ લોકડાઉનનો ખતરો
દિલ્હી:કોરોના ફરી એકવાર ચીનના વુહાનમાં પરત ફર્યો છે. અહીં 10 લાખની વસ્તીવાળા જિયાંગ્ઝિયા જિલ્લામાં શટડાઉન કરવામાં આવ્યું હતું.ચીનનું વુહાન એ જ શહેર છે જ્યાં વિશ્વમાં કોરોનાનો પહેલો કેસ જોવા મળ્યો હતો.તે પછી તે આખી દુનિયામાં ફેલાઈ ગયો.અહીંના બાર, સિનેમા હોલ અને કાફે તમામ બંધ કરી દેવામાં આવ્યા.
જિયાંગ્ઝિયામાં કોરોનાના ચાર કેસ મળી આવ્યા છે. જે બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, જિયાંગ્ઝિયાના શહેરી વિસ્તારમાં ત્રણ દિવસ માટે “અસ્થાયી નિયંત્રણ પગલાં” લાગુ કરવામાં આવ્યા છે.
કોરોનાના કેસોને જોતા વહીવટીતંત્રે બાર, સિનેમાઘરો અને ઈન્ટરનેટ કાફે બંધ કરી દીધા છે. આ ઉપરાંત બજાર, રેસ્ટોરન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.આ સાથે મોટા કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.તમામ ધાર્મિક સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે અને ધાર્મિક પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ સાથે શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બસોથી લઈને તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે.લોકોને શહેર ન છોડવાની સલાહ આપવામાં આવી છે, સિવાય કે તે ખૂબ જ જરૂરી હોય.સત્તાવાળાઓએ ચાર ઉચ્ચ જોખમવાળા વિસ્તારોની પણ ઓળખ કરી છે જ્યાં રહેવાસીઓને તેમના ઘર છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વિશ્વનું પ્રથમ લોકડાઉન 2020ની શરૂઆતમાં ચીનના વુહાનમાં લાદવામાં આવ્યું હતું. આ અંતર્ગત લોકો બે મહિના સુધી ઘરની બહાર નીકળી શક્યા નથી.ચીનની સરકારે વુહાનને રોગચાળા સામેની લડતમાં સફળતાની વાર્તા તરીકે રજૂ કર્યું હતું. જ્યારે આવા ઘણા વીડિયો સામે આવ્યા હતા, જેના કારણે ચીન સરકાર નિશાના પર આવી હતી.