અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ટાણે જ શિક્ષકોએ ગ્રેડ-પેની માગણી સાથે આંદોલન કરતા સરકારે તેમની માગણીઓની વાટાઘાટો કરીને ઉકેલ લાવી દીધો હતો. હાલ 4200 ગ્રેડ પેનો લાભ જિલ્લા પંચાયતના શિક્ષકોને મળી રહ્યો છે જ્યારે નગરપાલિકા અને મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની શાળાઓના શિક્ષકોને લાભ મળતો નથી આથી રાજ્ય સરકાર એકને ગોળ અને એકને ખોળની નિતી અપનાવી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. આ મુદ્દે મ્યુનિ.ના શિક્ષકોએ શિક્ષક સંઘના ઘટક સંઘો સાથે મિટિંગ પણ શરુ કરી દીધી છે. જો સરકાર નહિ માને તો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નગરપાલિકાઓ અને મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની શાળાઓના શિક્ષકોને 4200નો ગ્રેડ-પે નહીં મળતા ફરી એકવાર આંદોલન થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. 4200 ગ્રેડ પેનું વચન આપી લાભથી વંચિત રખાતા શિક્ષકો ગિન્નાયા છે. આ મુદ્દે હવે આંદોલનનું શસ્ત્ર શિક્ષકો ઉગામે તેમ લાગી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના શિક્ષક યુનિયનના પ્રમુખ મનોજ પટેલ જણાવ્યું હતું. કે, શિક્ષકોની 4200 ગ્રેડ પેની માંગણી ઘણી જુની છે. જે મુદ્દે શિક્ષકોએ સત્યાગ્રહ છાવણીમાં ધરણા કર્યા ત્યાર બાદ સરકારે 5 મંત્રીઓની કમીટી રચી અને આશ્વાસન આપ્યું કે તમારા પ્રશ્ન અમે સોલ્વ કરી દઈશું. પરંતુ સરકારએ વચન પાળ્યું નહિ. માત્ર 2022થી આપવાની વાત કરી જ્યારે અમારી માગંણી જુની હતી. જેના કારણે એક શિક્ષકને 8થી 10 લાખનું નુકસાન થયું છે. એટલું જ નહિ, ગ્રેડ પેનો લાભ અમને મળ્યો જ નથી. માત્ર આશ્વાસન મળ્યું છે. સરકારે વચન આપ્યું હતુ તેનું પાલન કર્યુ નથી. સમાન કામ સમાન વેતનની વાત હતી. જેમાં જિલ્લા પંચાયતના શિક્ષકોને મળ્યું અને નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકોને લાભથી વંચિત રખાયા છે. શિક્ષકોને 4200 ગ્રેડ પેનો લાભ 1990થી મળવા પાત્ર છે. 1986માં જે શિક્ષક તરીકે જોડાયા તેમને પણ આ લાભ મળવા પાત્ર છે. પરંતુ કોર્પોરેશન, નગરપાલિકાના શિક્ષકોને આજ દિન સુધી લાભ મળ્યો નથી.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં નગરપાલિકાઓ અને મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની શાળાઓમાં આવા કુલ 11 હજાર કરતા વધુ શિક્ષકો થાય છે જેઓને લાભ નથી મળ્યો અને નિવૃત સાથે ગણીએ તો 20 હજાર શિક્ષકો થાય છે. આ મામલે અમારા સંયુક્ત મોરચામાં અમે રજુઆત કરી છે સંઘના ઘટક સંઘો સાથે મિટિંગ કરી રહ્યાં છીએ જો સરકાર નહિ માને તો આંદોલન કરવું પડશે. (file photo)