અમદાવાદઃ શિયાળાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે હવે ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. સવારે કેટલાક વિસ્તારોમાં ઝાકળ તેમજ ધુમ્મસવાળુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમજ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો શિયાળું પવન ઉત્તર અને ઈશાનમાંથી આવે તો આ પવનથી પાછોતર પાકને ફાયદો થાય છે. આસો માસમાં શિયાળો વહેલો વળે તેમ કઠોળના પાકને ફાયદો કરે છે. ત્યારે આ વખતે સામાન્ય રીતે હિમાલય અને કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થાય છે અને પવનની ગતિથી આ ઠંડી આખા દેશમાં ફેલાતી હોય છે. ઠંડીનો પ્રવાહ પાકને ફાયદો કરે છે.
હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ દિવાળી પછી સામાન્ય રીતે સ્વાતિ નક્ષત્ર આવતું હોય છે. સ્વાતિ નક્ષત્રમાં ચોમાસાની વિદાય સારી રીતે થતી હોય છે. કહેવાય છે કે, દરિયાઈ છીપોમાં સ્વાતિ નક્ષત્રના વરસાદથી મોતી જામે છે. દેશના ઉત્તરીય પર્વતીય શહેરોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. તારીખ 27 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર 2021 દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. આસો વદી તેરસ, ચૌદશ અને અમાસ અને નવા વર્ષના કારતક સુદી એકમ તેમ ચાર દિવસ વાદળા હોય તો આવતું વર્ષ સારું આવે તેવું મનાય છે.
દરમિયાન ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ હવે ટૂંક સમયમાં જ ચોમાસું ભારતમાંથી વિદાય લેશે. પૂર્વોત્તર ભારતના અન્ય ભાગોમાં દક્ષિણ પશ્ચિમ મોન્સૂન વિદાય લે તેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. તારીખ 23 ઓકટોબરની આસપાસ બંગાળની ઉત્તર ખાડી, પશ્ચિમ બંગાળના બાકીના ભાગો, બંગાળની ખાડીના મધ્યભાગના કેટલાંક વિસ્તારો, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણાના કેટલાંક ભાગો, ગોવા, કર્ણાટક અને કેટલાંક ભાગો તથા મધ્ય અરબ સાગર નજીકના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લેશે. જ્યારે તારીખ 26 ઓકટોબરની આસપાસ સમગ્ર ભારતમાંથી ચોમાસું વિદાય લેશે. ભારતીય ઉપ-મહાદ્વીપનું જીવન શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ઋતુઓમાં સ્પષ્ટરીતે વહેંચાયેલું છે. ચોમાસા પછી શિયાળાની શરુઆત થાય છે પરંતુ બે ઋતુઓ વચ્ચેનો સંધિકાળ મિક્સ હવામાનનો હોય છે જેમાં આરોગ્ય જાળવવું પડે છે.