અમદાવાદઃ ગુજરાતભરમાં આજે જન્માષ્ટમીનું પર્વ ભારે આનંદોલ્લાસથી મનાવવામાં આવશે. ઈસ્કોન સહિત તમામ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ ઊજવવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ડાકોર, દ્વારકા, અને શામળાજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમી પર્વને લઇને થનગનાટ અનુભવતાં ઠેર ઠેર ભાતીગળ મેળા યોજાયા છે. ભવ્ય શોભાયાત્રા, ધર્મસભા સહિત ધર્મમય કાર્યક્રમો સાથે ગરીબોને મીઠાઇ વિતરણ સહિતના આયોજનો કરાયા છે.
અમદાવાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખાસ આયોજન કરાયું છે. ઈસ્કોનના મંદિર, ભાડજનું રાધા-કૃષ્ણ મંદિર, શહેરમાં આવેલી તમામ હવેલીઓ, સોલા ભાગવત વિદ્યાપીઠ સહિત અનેક સ્થળોએ આજે રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ ભારે ઉત્સાહથી ઊજવાશે. સૌરાષ્ટ્રમાં પણ ગામે ગામ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. જેમાં બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તા. 19ના ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા 8-30 કલાકે મસ્તરામ મંદિરથી પ્રસ્થાન કરશે. શોભાયાત્રામાં જગન્નાથ મંદિર અમદાવાદથી હાથી, ઘોડા, ઉંટ, ડી.જે. સાઉન્ડ જુદા-જુદા ડુપ્લીકેટ હીરો, કરાટે દાવ, અખાડા દાવ, તલવાર બાજી, ભવ્ય ફલોટો, ભગવાનનો શણગારેલ રથ આકર્ષણનું કેન્દ્ર બનશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી પર્વે શોભાયાત્રાનું આયોજન કરાયુ છે. આજે સવારે 9-30 કલાકે દ્વારકાધીશજીની હવેલી ખાતે વિશ્વ હિન્દુ પરીષદના ગુજરાત ક્ષેત્રના મંત્રી અશોક રાવલ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે. તરણેતર ખાતે લોકમેળામાં તા.30 થી તા.1/9 દરમિયાન 17મા ગ્રામીણ ઓલિમ્પિકસનું આયોજન કરવામાં આવશે. આ ગ્રામીણ ઓલિમ્પિકસમાં વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન થનાર છે. જ્યારે મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીનો એકમાત્ર અને વિનામૂલ્યે એન્ટ્રી ધરાવતો આ જન્માષ્ટમીના લોકમેળાને સર્વધર્મની બાળાના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે બાયપાસ રોડ પર કામધેનુ પાર્ટી પ્લોટની વિશાળ જગ્યામાં લોકમેળાનું આયોજન કરાયું છે. પોરબંદરમાં સાંદીપનિ શ્રીહરિમંદિર ખાતે સંત રમેશભાઇ ઓઝાની ઉપસ્થિતિમાં જન્માષ્ટમી અને નંદ ઉત્સવની દ્વિદિવસીય ઉજવણી કરવામાં આવશે.