દિવાળીના તહેવારને પ્રકાશનો તહેવાર પણ કહેવામાં આવે છે. લોકો માને છે કે આ દિવસે જો કોઈના ઘરે જઈને તેના ઘરનું અંધારુ દુર કરો તો આપણા જીવનમાં પણ મોટાભાગના તકલીફો દુર થઈ જાય છે. આ વાતનો અર્થ એ છે કે નવા વર્ષમાં થઈ શકે તો કોઈને મદદરૂપ થવુ. આ બધી વાત દિવાળીને લઈને આપણે સૌ જાણીએ છીએ, પણ દિવાળીની ચમક જો તમે આ તહેવારોમાં જોશો તો તમારું મન પણ ખુશ થઈ જશે.
ભારતના પવિત્ર શહેરો પૈકીના એક તરીકે, અયોધ્યા, ખાસ કરીને રામાયણ સાથે જોડાયેલું હોવાથી પ્રસિદ્ધ છે, અત્યંત ભવ્યતા સાથે દિવાળીની ઉજવણી માટે જાણીતું છે. એવું નોંધવામાં આવ્યું છે કે 2018માં, અયોધ્યાએ સરયુ નદીના કિનારે 3,00,000થી વધુ માટીના દીવા પ્રગટાવવા માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. અયોધ્યામાં દિવાળીનો એક આનંદદાયક અનુભવ રહી શકે છે.
ઉત્તર ભારતમાં આવેલું વારાણસી પવિત્ર ગંગા નદીના કિનારે આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતું શહેર છે. જે વિશ્વના સૌથી જુના શહેરમાંથી એક છે. વારાણસી એટેલે કે કાશી તેના વિવિધ ઘાટ માટે જાણીતું છે, જ્યાં યાત્રાળુઓ ધાર્મિક વિધિઓ કરે છે. પવિત્ર ગંગા નદીમાં સ્નાન સાથે વારાણસીની વાઈબ્રન્ટ બજારોમાં ફરવાની પણ મજા અલગ છે. તેમજ કાશીની સાંકડી ગલીઓ અને અસંખ્ય મંદિરો એક આધ્યાત્મિક આભાનો અનુભવ કરાવે છે. આ સાથે ગંગાની આરતી અને સ્ટ્રીટનો પણ લાભ લઇ શકાય છે. જો તમે લાંબો સમય વારાણસીમાં રહો છો, તો તમે દેવ દિવાળીનો લાભ પણ લઇ શકો છો. જે સુપ્રસિદ્ધ ગંગા મહોત્સવ ઉત્સવના ભાગરૂપે યોજાય છે.
રાજસ્થાનની રાજધાની જયપુર તેના સમૃદ્ધ ઈતિહાસ અને ભારતના પ્રથમ આયોજિત શહેર હોવાનું ગૌરવ ધરાવે છે. તેના રંગીન રત્નો માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. 1876માં, પ્રિન્સ ઑફ વેલ્સ ભારતના પ્રવાસે આવ્યા હતા. ગુલાબી રંગ આતિથ્યનું પ્રતીક હોવાથી, જયપુરના મહારાજા રામ સિંહે આખા શહેરને ગુલાબી રંગે રંગ્યું હતું. આથી જ જયપુર ગુલાબી નગરી તરીકે ઓળખાય છે. અહીં ધનતેરસથી દિવાળીના પર્વની ઉજવણી શરુ થાય છે જેમાં નાહરગઢ કિલ્લો અને અન્ય પ્રખ્યાત સ્મારકોને લાઇટિંગથી સજાવવામાં આવે છે.