અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ઉપક્રમે મેયર કિરીટ પરમાર દ્વારા ધોરણ 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આજે શહેરના ટાગોર હોલમાં સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થતા શહેરના તેજસ્વી તારલાઓના સન્માન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સંકલનનો અભાવ હોય કે ગમે તે કારણ હોય સન્માન સમારોહમાં પુરતા વિદ્યાર્થીઓ ન આવતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. ટાગોર હોલમાં વિદ્યાર્થીઓ માટે ગોઠવેલી ખુરશીઓ પણ ખાલીખમ જોવા મળી હતી. વિદ્યાર્થીઓમાં પણ પરિણામને લઈને નિરસતા જોવા મળી છે. અમદાવાદનું પરિણામ માત્ર 65 ટકા આવતા વિદ્યાર્થીઓને એકઠા કરવા તંત્ર માટે પણ મુશ્કેલ કામ બન્યું હતું. આ કાર્યક્રમમાં માત્ર 15 જેટલા જ વિદ્યાર્થીઓ જ હાજર રહ્યાં હતાં. સોમવારે જ તમામ સ્કૂલોને આ અંગે જાણ કરાઈ હતી. સ્કૂલ અને વાલીઓના સંકલનને અભાવે જૂજ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતાં.સ્કૂલોને શોર્ટ નોટિસ અને પરિણામ ઓનલાઈન આવતા સ્કૂલનો સંપર્ક ઓછો થઈ શક્યો છે. AMC દ્વારા જે વિદ્યાર્થીઓ આવ્યા એમને સન્માનિત કરાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મેયર દ્વારા ધોરણ-12 સાયન્સની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. મેયર કિરીટ પરમાર ધોરણ 12ના તેજસ્વી તારલાઓનું સન્માન કરવાના હતા. પરંતું અમદાવાદ શહેરનું પરિણામ ઓછું આવતા વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં પહોંચ્યા જ ન હતા. ટાગોર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ગેરહાજર હતા, અને AMC ના મોટા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. માત્ર 15 જ વિદ્યાર્થીઓ આવતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ધોરણ 12 સાયન્સમાં માત્ર 5438 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ કારણે સન્માન કાર્યક્રમમાં આવેલા પદાધિકારીઓ દોડતા થયા હતા. અમદાવાદ શહેરનું માત્ર 65 ટકા જ પરિણામ આવ્યું છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓમાં નિરસતા જોવા મળી. સન્માન માટે શહેરના મેયર કિરીટ પરમાર, ચેરમેન હિતેશ બારોટ, સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા, શહેરના ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ હાજર રહ્યા હતા. નવાઈની વાત તો એ છે કે, જેમનુ સન્માન થવાનુ હતુ તેના કરતા તો અધિકારીઓની સંખ્યા વધુ હતું. કાર્યક્રમમાં માત્ર 15 વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ધોરણ 12 સાયન્સમાં સમગ્ર રાજ્યમાંથી માત્ર 72,166 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં માત્ર 5438 અને અમદાવાદ ગ્રામ્યમાંથી 3952 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ખૂબ ઓછા વિદ્યાર્થીઓ પાસ થતા મેયરનો સન્માન કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. (file photo)