અમદાવાદઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. શુક્રવારની રાત્રે નારણપુરાના એક ફ્લેટમાં આગ લાગતા ઘર-વખરી બળીને ખાક થઈ હતી. આ બનાવ તોજો જ છે. ત્યારે રવિવારે બાપુનગર વિસ્તારમાં સોનેરિયા બ્લોક પાસે આવેલા રૂના કારખાનામાં આગ લાગી હતી. આગના બનાવની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા 6 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સહિતના ફાયર ફાયટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના બાપુનગર વિસ્તારમાં સોનેરીયા લોક પાસે એક રૂનું કારખાનું આવેલું છે. જેમાં રવિવારે બપોરે આગ લાગવાની ઘટના બની હતી. કારખાનામાં રૂ હોવાના કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. અને આગે વિકરાળરૂપ ધારણ કરતા આસપાસના લોકો નાસભાગ મચી ગઈ હતી. ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળતા હતા, ત્યારે આ આગના બનાવની જાણ થતાં નરોડા ફાયર સ્ટેશન સહિતના ફાયર સ્ટેશનના ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યો હતો. રૂ હોવાથી આગ વધુ ફેલાઈ ગઈ હતી. આગમાં કોઈ જાનહાની થઈ નથી. આ આગ ક્યાં કારણોસર લાગી તેની પણ માહિતી હજુ સુધી જાણવા મળી નથી.
ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર બાપુનગર વિસ્તારમાં મ્યુનિસિપલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા રૂના ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે. દોઢ કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. રૂનું કારખાનું હોવાથી વધારે આગ ફેલાઈ ગઈ હતી. આગ લાગવાના કારણે ગોડાઉનની દીવાલોમાં તિરાડ પણ પડી ગઈ હતી. જેથી JCB મશીન બોલાવી અને કારખાનાની દિવાલોને તોડી નાખવામાં આવી હતી. હાલ કુલિંગ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.