ગાંધીનગરઃ શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા 7 ગામોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે શરૂ કરાયેલા ઉપવાસ આંદોલનને સ્થગિત કરાયું છે. વસાહત મહામંડળના પ્રમુખ ભરતસિંહ બિહોલા તથા મહામંત્રી બી. એલ. ઠાકોરની આગેવાનીમાં ઈન્દ્રોડા ખાતે શનિવારથી પ્રતિક ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું. ગાંધીનગરની સ્થાપના સમયથી પાટનગરમાં આવતા ઈન્દ્રોડા, ધોળાકુવા, બોરીજ, ફતેપુરા, આદિવાડા, પાલજ અને બાસણ ગામના પડતર પ્રશ્નો મુદ્દે અગાઉ અનેક વખત રજૂઆતો થયેલી છે. જેમાં જે-તે ગામે આવાસ યોજના, ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા અનિયમિત બાંધકામ નિયમિત કરી આપવા, શહેર સમકક્ષ સુવિધાઓ આપવા તથા અન્ય નાના-મોટા પ્રશ્નોનો સમાવેશ છે. આ મુદ્દે ભાજપના સાંસદ દ્વારા મુખ્યમંત્રીને મળીને પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા વસાહત મંડળે લડત સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગત તા. 15 જૂન 2022ના રોજ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ તેમજ વસાહત મંડળના હોદ્દેદારોની વચ્ચેની બેઠક બાદ પણ આજદિન સુધી પડતર પ્રશ્નોની દિશામાં કોઈ પગલાં લેવાયા નથી. જેને પગલે સરકારનું ધ્યાન દોરવા માટે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું. ત્યારે મંગળવારે આંદોલનના ચોથા દિવસે ભાજપના પાટણના સાંસદ ભરતસિંહ ડાભી પહોંચ્યા હતા. તેઓએ ગ્રામજનોની માંગણીને સમર્થન આપતા આ મુદ્દે મુખ્યમંત્રીને મળીને પ્રશ્નોના ઉકેલ માટે જાહેરમાં ખાતરી આપી હતી. આ સાથે તેઓએ ગ્રામજનોને ઉપવાસ આંદોલન સ્થિગત કરવા માટે અપીલ કરી હતી. આ અંગે ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળના પ્રમુખ ભરતસિંહ બિહોલાએ કહ્યું હતું કે,‘ સાંસદની ખાતરીને માન આપીને આ ઉપવાસ આંદોલન હાલ પૂરતુ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ સરકાર દ્વારા અમારી માંગણીઓનો હકારાત્મક-ઠરાવ સ્વરૂપે નિર્ણય કરવામાં નહીં આવે તો આંદોલન પુન: શરૂ થશે. જોકે હવે આંદોલન સત્યાગ્રહ છાવણી ખાતે કરવામાં આવશે.