Site icon Revoi.in

બોલિવૂડના ફિલ્મ નિર્માતા રયાન સ્ટીફનનું નિધન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક

Social Share

મુંબઈ : કોરોનાની બીજી લહેરનો પ્રકોપ અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. મનોરંજનની દુનિયા પણ તેનાથી બાકી નથી. એક તરફ ઘણા સ્ટાર્સ કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા, તો બીજી તરફ ઘણાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. હવે વધુ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે.બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા રયાન સ્ટીફનનું નિધન થયું છે. રયાનનું નિધન કોરોનાના કારણે થયું છે.તેમના અવસાનના સમાચાર સાંભળીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વરૂણ ધવન, કિયારા અડવાણી,દિયા મિર્ઝા, મનોજ બાજપાઇ સહિત અનેક હસ્તીઓએ સોશ્યલ મીડિયા દ્વારા રયાનને શ્રદ્ધાંજલિ આપી છે.

રયાન સ્ટીફને કિયારા અડવાણીની ફિલ્મ ‘ઇન્દુ કી જવાની’ અને કાજોલની શોર્ટ મૂવી ‘દેવી’ પ્રોડ્યુસ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તે ફિલ્મ નિર્માતા કરણ જોહરના પ્રોડક્શન હાઉસ સાથે પણ સંકળાયેલ હતો.

રયાન સ્ટીફને મનોરંજનની દુનિયામાં એક ફિલ્મ મેગેઝિન સાથે ક્લબ રિપોર્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સમય દરમિયાન તેણે શો ટાઇમ અને સ્ટારડસ્ટ જેવા પ્રકાશકો સાથે કામ કર્યું. એટલું જ નહીં, તેણે વેબ પોર્ટલ માઝા મીડિયામાં ફિલ્મ કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કર્યું. એમટીવી, ઝૂમ, ઝી અને 9 એક્સએમ જેવી ટીવી ચેનલો સાથે પણ વિવિધ કામો માટે તેમણે કામ કર્યું. થોડા સમય માટે જિસ્મ, પાપ, રોગ અને એલઓસી જેવી ફિલ્મોના પીઆરનું કામ પણ સંભાળ્યુ. આ પછી તેણે પ્રોડક્શન ક્ષેત્રે સાહસ કર્યો અને કરણ જોહરના પ્રોડક્શન હાઉસમાં કામ કરવાનું શરૂ કર્યું.