Site icon Revoi.in

પાલિતાણા નગરપાલિકાની આર્થિક સ્થિતિ કંગાળ, કર્મચારીઓને બે મહિનાથી પગાર મળ્યો નથી

Social Share

ભાવનગરઃ જિલ્લાની પાલીતાણા શહેરની નગરપાલિકાના તમામ કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી પગારની મળ્યો નથી. ત્રીજો મહિનો અડધો વિતી ગયા છતાયે પગરાનું ઠેકાણું પડતું નથી. નગરપાલિકા ગ્રાન્ટ ન હોવાનું રટણ કરે છે. કાયમી કર્મચારીઓ તો ઠીક પણ સફાઈ કામદારોને પણ બે મહિનાથી પગાર ચૂકવાયો નથી જેના કારણે કર્મચારીઓ પરેશાન બન્યા છે ત્યારે તાત્કાલિક પગારની ચુકવણી કરવા કર્મચારીઓમાં માંગણી ઉઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાલિતાણા નગરપાલિકાની હાર્થિક હાલત ડામાડોળ છે. વેરો ઉઘરાવવામાં નગરપાલિકાના સત્તાધિશો નિષ્ફળ રહ્યા છે. બીજીબાજુ સરકારી ગ્રાન્ટ પર સઘળો આધાર રાખવો પડે છે. નગરપાલિકાના સત્તાધિશો સરકારી ગ્રાન્ટ રાહ જોઈ રહ્યા છે. ગ્રાન્ટ આવશે ત્યારે જ કર્મચારીઓને પગાર કરી શકાશે. નગરપાલિકામાં કામ કરતા કર્મચારીઓની મુશ્કેલીમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે માસથી તમામ કર્મચારીઓને પગાર જ અપાયો નથી. ઉપરાંત દર વખતે સફાઈ કામદારોને પણ પગાર ચૂકવવામાં વિલંબ કરે છે. પગાર નિયમિત ન થતા કર્મચારીઓની સ્થિતિ કફોડી બની છે. પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. કાયમી કર્મચારીઓ પણ આર્થિક ભીસમાં આવી ગયા છે, તો સફાઈ કામદારોની શું સ્થિતિ થતી હશે ? નગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત ભાડાની આવક તથા ટેક્સની આવક ઉપર રહ્યો છે. પાલીતાણા નગરપાલિકાની વાર્ષિક આવક અંદાજે 21.12 કરોડ છે અને ખર્ચ 20.80 કરોડ છે.

પાલિતાણા નગરપાલિકાના કર્મચારીઓના પગારમાં વિલંબ થતા અને બે મહીનાથી પગાર બાકી હોય પાલિકાના વિવિધ વિભાગના કર્મચારીઓ પોતાની કામગીરી બંધ રાખશે.ખાસ કરીને સફાઇ કામગીરી જો બંધ રહેશે તો આગામી દિવસોમાં સર્વત્ર કચરાના ઢગલા થશે અને ગંદકી થતા રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થશે.કર્મચારીઓને જયાં સુધી બંને પગાર એક સાથે અને સમયસર ચુકવાની ખાત્રી આપવામાં નહિં આવે ત્યાં સુધી કામગીરીથી અળગા રહેવા માટે નિર્ણય કરાયો છે,

પાલિતાણા નગરપાલિકાના ચીફ ઓફિસરના કહેવા મુજબ નગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત્ર ભાડાની આવક ઉપર રહેલો છે. ગટર, નળ, ભાડાની રકમ તેમજ ટેક્સની રિકવરી શરૂ કરી દેવામાં આવી છે. નગરપાલિકાનું સ્વભંડોળ ઊભુ કરવા તેમજ નવા આવકના સાધનો ઊભા કરવાનું આયોજન કરાશે. તમામ સભ્યોને સાથે રાખીને નગરપાલિકાને આત્મનિર્ભર કરવાના પ્રયાસો કરાશે. નગરપાલિકામાં મહિને 30 લાખની પગારની ગ્રાન્ટ આવે છે જેની સામે 65 લાખનો પગાર થાય છે કર્મચારીઓને બે માસના પગારની રકમ તુરતમાં મળી જશે.