ગાંધીનગરઃ રાજ્યની 107 નગરપાલિકાના કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર પણ ચૂકવાયો નથી. તમામ નગરપાલિકાઓની હાલત કફોડી બની છે, બાકી ટેક્સની રિકવરી થઈ શક્તી નથી. અને રોજબરોજના ખર્ચને પહોંચી વળવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવાય તો જ કર્મચારીઓના પગારો થઈ શકે તેમ છે. નગરપાલિકાના સત્તાધિશોએ ત્વરિત ગ્રાન્ટ ફાળવવાની રાજ્ય સરકારને વિનંતી કરી છે.
ગુજરાતની 107 નગરપાલિકાની દશા એવી છે કે, ચીફ ઓફિસરથી લઈને રોજમદારો-કાયમી કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી. નગરપાલિકાઓએ નાણાકીય સદ્ધરતા ગુમાવી દીધી છે. પરિણામે સ્વભંડોળમાં પગાર ચૂકવવાના માટે પણ પૈસા નથી. સરકાર દ્વારા અપાતી ઓક્ટ્રોયની ગ્રાન્ટ અટવાઇ પડતાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નગરપાલિકાઓની કંગાળ હાલતના કારણે રાજ્યમાં ચીફ ઓફિસર સહિત 10 હજારથી વધુ રોજમદારો-કાયમી કર્મચારીએ પગાર ન મળતા મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ગુજરાતમાં કુલ મળીને 157 નગરપાલિકા છે, જેમાં 107 પાલિકા એવી છે જેમાં ચીફ ઓફિસરથી માંડીને કાયમી કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ પૈસા નથી. એક તરફ ભાજપના સત્તાધીશો વાઇબ્રન્ટ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના દાવા કરી રહ્યા છે. તો બીજી તરફ નગરપાલિકા આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે.
સૂત્રોના કહેવા મુજબ નગરપાલિકાઓની વહિવટી શિથિલતાને કારણે આર્થિક સમસ્યા ઊભી થઈ છે. સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને કારણે કરવેરા વસૂલાતા નથી. પ્રજાના રોષનો ભોગ બનવું પડે તે માટે કરવેરા નિયમિત વસૂલાતાં નથી. જેથી મોટાભાગની પાલિકાની આર્થિક સ્થિતિ ડગુમગુ થઈ છે. આ સ્થિતિમાં કેટલીક નગરપાલિકાઓ વીજબિલ ભરવા પણ સમક્ષ નથી, તો લાખો રૂપિયાનો પાણી વેરો બાકી છે. આ સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે ઓક્ટ્રોયની ગ્રાન્ટ રોકી રાખી છે. બીજીબાજુ નગરપાલિકાઓ પાસે આવકનો સ્ત્રોત જ નથી. પરિણામે હજારો કર્મચારીઓ પગારથી વંચિત રહ્યા છે. હવે જ્યારે સરકારી કર્મચારીઓની ધીરજ ખૂંટી છે ત્યારે પગાર મામલે આંદોલન થાય તો નવાઈ નહીં.
ગુજરાતની નગરપાલિકાઓની તિજોરીઓ ખાલી થઈ ગઈ છે. અનેક નગરપાલિકાઓ દેવાળું ફૂંકવાની અણી પણ છે. આ પહેલા નગરપાલિકાઓ લાખોનું લાઈટબિલ ન ચૂકવી શક્તા અંધારપટ છવાયો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે હવે ગુજરાતની નગરપાલિકાઓ પાસે કર્મચારીઓને પગાર ચૂકવવાના રૂપિયા નથી. આ બાબત ગુજરાત સરકારના અણઘડ વહીવટની સાબિતી આપે છે. મોટા મોટા ઉદ્યોગોને લ્હાણી, વાઈબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગપતિઓ માટે લાલજાજમ પાથરતી ગુજરાત સરકાર નગરપાલિકાઓનો વહીવટ કરવામાં પાછળ રહી ગઈ છે. (File photo)