નડિયાદઃ ખેડા જિલ્લાના માતર પંથકમાં બુધવારે રાત્રે કાર લઈને આવતો યુવાન એકાએક રોડની સાઇડના વૃક્ષ સાથે અથડાયા બાદ કારમાં આગ લાગતાં બળીને ભડથું થઇ ગયો હતો. આ બનાવ સંદર્ભે લીંબાસી પોલીસે ફરિયાદના આધારે અપમૃત્યુનો ગુનો નોંધ્યો છે. આકસ્મિક આગ લાગતાં યુવાને જીવ ગુમાવ્યો હોવાનું પોલીસ જણાવી રહી છે.
આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના નવાઘરા ગામે રહેતા 31 વર્ષીય જૈમિન ચંદુભાઈ પ્રજાપતિ પોતાની કાર ચલાવીને બુધવારની મોડી રાત્રે ખેડા જિલ્લાના માતરના માલાવાડા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રાત્રિના સાડા દશ વાગ્યાની આસપાસ ચાલકે એકાએક કાબુ ગુમાવતા કાર રોડની સાઈડના ઝાડ સાથે અથડાઈ હતી. આથી CNG કાર હોવાથી કારમાં એકાએક આગ લાગી ગઈ હતી. જેના કારણે કાર ચાલક જૈમિન પ્રજાપતિ કારમાં જ સળગીને ભડથું થઇ ગયા હતા.
આ ઘટના જ્યારે બની ત્યારે રોડ પર કોઈ હાજર નહોતું. એટલે કઈ રીતે કારમાં આગ લાગી અને કાર ચાલક અકસ્માતના પગલે બેભાન થયા કે પછી તેમણે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો પણ નીકળી ન શક્યા જેવા સવાલોનું રહસ્ય અકબંધ છે. જો કે આ બનાવ સંદર્ભે લીંબાસી પોલીસે તેમના સગાભાઈ રૂચિર પ્રજાપતિની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃત્યુ પામનારા કાર ચાલક પોતે દૂધની ડેરીમાં ઓડિટર છે. અને તેઓ ઓડિટના કામે આ પંથકમાં આવ્યા હતા. દરમિયાન પરત પોતાના ઘરે આવતી વેળાએ આ દુર્ઘટના સર્જાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ તાલુકા મથક ગણાતા માતરમાં કે આસપાસ આવી દુર્ઘટના સર્જાય ત્યારે અગ્નિશામક દળની કોઈ સુવિધા નથી, જેથી ખેડાથી મદદ મંગાવી પડે છે. તો વળી ખેડા અગ્નિશામક દળ પાસે પણ જરૂરી સાધનો ન હોવાને પગલે આવી આગમાં છેક નડિયાદથી મદદ મંગાવવી પડતી હોય છે. તેમજ આ મદદ મળે ત્યાં સુધી મોટી હોનારત સર્જાતા ક્યારેક લોકોને જીવ પણ ગુમાવવો પડે છે. આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ અગાઉ બની ચૂકી છે. ત્યારે તાલુકા મથક માતરમાં ફાયર સ્ટેશનની સુવિધા આપવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.