અમદાવાદઃ શહેરની વસતીમાં વધારો થતાં અનેક હાઈરાઈઝ બિલ્ડિંગો બન્યા છે. હવે તો 100 મીટરથી વધુ ગગનચુંબી બિલ્ડિંગો પણ આકાર લઈ રહ્યા છે. હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે ઉપલાં મંજિલ સુધી પહોચવા માટે મ્યુનિ.ના ફાયર વિભાગ પાસે પુરતી સ્નોરકેલ નથી કે પુરતા સાધનો નથી. ફાયર બ્રિગેડ વિભાગ પાસે માત્ર બે જ સ્નોરકેલ છે. એએમસીએ ગત બજેટમાં સ્નોરકેલ તેમજ માઉન્ટેડ ફાયર સિસ્ટમ ખરીદવા માટે 10 કરોડની જોગવાઈ કરી હતી. પણ હજુ સુધી ખરીદી કરવામાં આવી નથી. તેમ એએમસીના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ પાસે હાલમાં માત્ર બે જ સ્નોરકેલ છે. તે કાર્યક્ષમ નથી. મ્યુનિ.ના સત્તાધીશો દ્વારા ગત વર્ષના બજેટમાં સ્નોરકેલ તેમજ ડ્રોન ઓપરેટેડ વ્હીકલ માઉન્ટેડ ફાયર બ્રિગેડ સિસ્ટમ ખરીદવા 10 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી એક પણ સાધનની ખરીદી કરવામાં આવી નથી. એએમસીના ભાજપના સત્તાધીશો બજેટમાં માત્ર વાહ વાહી જ મેળવવા જાહેરાતો કરે છે, પરંતુ જે જોગવાઈ કરવામાં આવે છે. તેનું પાલન કરવામાં આવતું નથી. શહેરનો વિકાસ વધતો જાય છે, ત્યારે હવે 100 મીટરથી વધુની હાઇરાઇઝ બિલ્ડીંગો બની રહી છે. શહેરમાં જ્યારે કોઈપણ હાઇરાઇઝ બિલ્ડીંગમાં આગની કે અકસ્માતની ઘટના બને તો ફાયર બ્રિગેડ દ્વારા 85 મીટર ઊંચાઇ સુધી પહોંચવા માટે એક પણ સ્નોરકેલ નથી. હાલમાં જે બે સ્નોરકેલ છે તેમાં એક 82 મીટર અને બીજી 54 મીટર એમ બે જ સ્નોરકેલ ઉપલબ્ધ છે. જે પૂરી રીતે કાર્યક્ષમ નથી. ભૂતકાળમાં આગ લાગી હતી ત્યારે પણ આ સ્નોરકેલ ખુલી નહોતી.
વિપક્ષના નેતાએ ઉમેર્યુ હતું કે, એએમસીના ભાજપના સત્તાધીશો દ્વારા ગત વર્ષના બજેટમાં 104 મીટર ઊંચી સ્નોરકેલ ખરીદવા માટે 10 કરોડની જોગવાઈ કરાઈ હતી તેમ છતાં પણ આજદિન સુધી તેને ખરીદવામાં કેમ નથી આવી, પ્રજાની વાહ વાહી મેળવવા માટે ફૂલ ગુલાબી બજેટની વાતો કરવામાં આવે છે, પરંતુ મ્યુનિ.ના સત્તાધિશોની આ વહીવટી નિષ્ફળતા સ્પષ્ટ જણાય છે જ્યારે કોઈપણ આગની ઘટના બને ત્યારે જાનમાલની સુરક્ષાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે, ત્યારે ઝડપથી સ્નોરકેલ અને ડ્રોન ઓપરેટેડ વ્હીકલ માઉન્ટેડ ફાયર બ્રિગેડ સિસ્ટમ ખરીદવામાં આવ તેવી માગ છે.