વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસની પ્રથમ બેચ ભારતથી ફિલિપાઈન્સ પહોંચી
નવી દિલ્હીઃ ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંબંધો માટે આજે એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસની પ્રથમ બેચ ભારતથી ફિલિપાઈન્સ પહોંચી છે. 2022 માં બંને દેશો વચ્ચે થયેલા કરાર હેઠળ, ભારતીય વાયુસેના સંચાલિત C-17 ગ્લોબમાસ્ટર પ્રથમ કન્સાઇનમેન્ટ સાથે હિંડન એરફોર્સથી ઉડાન ભરી હતી. ફિલિપાઈન્સ એરફોર્સના ક્લાર્ક એરબેઝ પર ભારતીય વિમાનનું લેન્ડિંગ થયું છે.
બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ (BAPL) એ 28 જાન્યુઆરી, 2022 ના રોજ ફિલિપાઈન્સના પ્રજાસત્તાકના રાષ્ટ્રીય સંરક્ષણ વિભાગ સાથે ઔપચારિક કરાર પર હસ્તાક્ષર કર્યા. ભારત પાસેથી સુપરસોનિક મિસાઇલો ખરીદવા માટે તે 374 મિલિયન ડોલરથી વધુનો સૌથી મોટો અને પ્રથમ વિદેશી કરાર હતો. ભારત (DRDO) અને રશિયા (NPOM) વચ્ચેના સંયુક્ત સાહસે સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસ વિકસાવી છે. બ્રહ્મોસ મિસાઈલ ડીલને લઈને ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે વર્ષોથી વાતચીત ચાલી રહી હતી. બંને દેશોએ 3જી માર્ચ, 2020ના રોજ એક મોટા સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ભારત સાથે મિસાઈલ ડીલ પૂર્ણ કર્યા પછી, ફિલિપાઈન્સ દક્ષિણ ચીન સાગરમાં ચીન સાથે દાયકાઓથી ચાલી રહેલા પ્રાદેશિક વિવાદો સાથે સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે તેની સેનાને આધુનિક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. હવે ફિલિપાઈન્સ તેની લડાયક ક્ષમતાઓને વધારવા માટે ભારત પાસેથી અદ્યતન હળવા હેલિકોપ્ટરનો બેચ ખરીદી રહ્યું છે. સ્વદેશી રીતે વિકસિત એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) એ 5.5 ટન પેલોડ વર્ગમાં ટ્વીન એન્જિન, મલ્ટિ-રોલ, મલ્ટી-મિશન નવી પેઢીનું હેલિકોપ્ટર છે અને તેને વિવિધ લશ્કરી કામગીરી માટે અસરકારક પ્લેટફોર્મ ગણવામાં આવે છે.
ફિલિપાઈન્સ દક્ષિણપૂર્વ એશિયાઈ ક્ષેત્રમાં ભારતનું મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દ્વિપક્ષીય સંરક્ષણ અને સુરક્ષા સંબંધોમાં તેજી જોવા મળી છે, ખાસ કરીને દરિયાઈ ક્ષેત્રમાં. ફિલિપાઇન્સ એ એસોસિએશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN)નું મુખ્ય સભ્ય પણ છે, જેની સાથે છેલ્લા એક દાયકામાં ભારતના સંબંધો નોંધપાત્ર રીતે વિસ્તર્યા છે. ફિલિપાઈન્સે પણ ભારત પાસેથી આકાશ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ખરીદવામાં રસ દાખવ્યો છે. સ્વદેશી લશ્કરી હાર્ડવેરની નિકાસને વેગ આપવાના પ્રયાસો વચ્ચે, આકાશ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ એરોસ્પેસની દુનિયામાં ભારતને નવી ઊંચાઈઓ પર લઈ ગઈ છે.