ગુજરાતમાં કોરોના રસીનો પ્રથમ જથ્થો પહોંચ્યો, 16મી જાન્યુઆરીએ શરૂ કરાશે રસીકરણ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી રસીની આતુરતાથી રાહ જોવાતી હતી. આ આતુરતાનો આજે અંત આવ્યો હતો. સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર કોવિશિલ્ડ રસીનો પહેલો જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો હતો. જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવોએ વેક્સિનના જથ્થાને કંકુ, ચોખા, નાળિયેર, ફૂલ સાથે આવકાર્યો હતો. એરપોર્ટથી રસીનો જથ્થો સીધો ગાંધીનગર ખાતે વિશેષ સ્ટોરેજ સેન્ટરમાં પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે અમદાવાદ સહિત દેશના 13 શહેરોમાં કોરોનાની રસીનો પ્રથમ જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો. અમદાવાદમાં 700 કિલો વજન ધરાવતા પ્રથમ જથ્થામાં 2.76 લાખ કોરોના રસીના ડોઝ છે. પૂનાથી એર ઇન્ડિયાની ફ્લાઇટ મારફત આ જથ્થો અમદાવાદ એરપોર્ટ લવાયો હતો. અમદાવાદ પહોંચેલી વૅક્સિનની જથ્થાને લેવા માટે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચ્યા હતા.
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિક ડિરેક્ટરે જણાવ્યું હતું કે, આજે કોરોના વાઇરસની રસીનું પહેલું કન્સાઇન્મેન્ટ અમદાવાદ પહોંચ્યું છે. જે અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર ઝોનમાં આપવામાં આવશે. જ્યાંથી 287 વૅક્સિનેશન સાઇટ પરથી 16 જાન્યુઆરીએ રસીકરણના કાર્યક્રમની શરૂઆત થશે. 60 હજાર ડોઝ ભાવનગર, સુરતમાં 93,500 ડોઝ, વડોદરામાં 94,500, રાજકોટમાં 77,000 ડોઝ આવતી કાલે કોલ્ડ ચેઇન દ્વારા પહોંચાડવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાની રસીને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ કોરોનાની રસીને લઈને તમામ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોનાની રસી આપવામાં આવશે.