Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, કેરળમાં પણ બે દર્દીઓ મળી આવતા ખળભળાટ

Social Share

મુંબઈ:કોરોનાની બીજી લહેર ભલે શાંત પડી હોય પરંતુ કોરોનાના નવા નવા સ્વરૂપો દસ્તક આપતા રહેતા હોય છે.ત્યાં હવે ઝીકા વાયરસે દેશમાં ખળભળાટ મચાવ્યો છે. મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસ સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો છે. પુણે જિલ્લાના પુરંદર વિસ્તારની 50 વર્ષીય મહિલા ઝીકા વાયરસથી સંક્રમિત મળી છે. મહિલાનો ચિકનગુનિયા ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, મહિલા હવે સ્વસ્થ થઇ ગઈ છે અને તેના પરિવારના સભ્યોમાં પણ હાલમાં વાયરસના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.તો, કેરળમાં પણ ઝીકા વાયરસના બે નવા સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. રાજ્યમાં ઝીકા વાયરસથી સંક્રમિતોની કુલ સંખ્યા 63 થઇ ગઈ છે.

સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ, પુરંદર તહસીલના બેલસર ગામમાંથી જુલાઈની શરૂઆતથી તાવના ઘણા કેસ નોંધાયા હતા.પાંચ સેમ્પલને પરીક્ષણ માટે પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી મોકલવામાં આવ્યા હતા. આમાંથી ત્રણ સેમ્પલનો ચિકનગુનિયા ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ NIV ની એક ટીમે 27 જુલાઈથી 29 જુલાઈ વચ્ચે બેલસર અને પરિંચે ગામોની મુલાકાત લીધી અને 41 લોકોના લોહીના નમૂના એકત્રિત કર્યા. તેમાંથી ચિકનગુનિયાના 25 કેસ, ૩ ડેન્ગ્યુ અને 1 ઝીકા વાયરસનો કેસ નોંધાયો છે.

પુણે જિલ્લા વહીવટીતંત્રે લોકોને ન ગભરાવવાની અપીલ કરી છે. વહીવટીતંત્રે લોકોને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, સંક્રમણના ફેલાવાને રોકવા માટે સખત મહેનત કરવામાં આવી રહી છે.

ઝીકા વાયરસના સંક્રમણના કેટલાક સામાન્ય લક્ષણો છે તાવ, શરીરમાં દુખાવો,સ્નાયુઓ અને સાંધાનો દુખાવો, અસ્વસ્થતા અથવા માથાનો દુખાવો. લક્ષણો સામાન્ય રીતે 2-7 દિવસ સુધી રહે છે અને મોટાભાગના સંક્રમિત લોકોમાં લક્ષણો વિકસિત થતા નથી.