ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો
ગાંધીનગરઃ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ કેબીનેટ શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો, આ પ્રસંગે યુનિવર્સિટીની સલાહકાર પરિષદના અધ્યક્ષ ડૉ. સુબીર મજુમદારે ઓડિટોરિયમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. તેમણે યુનિવર્સિટીની સિદ્ધિઓ અને ભાવિ આકાંક્ષાઓને ઉજાગર કરતો સંક્ષિપ્ત અહેવાલ પણ મહાનુભાવો સમક્ષ રજૂ કર્યો હતો.
તેમના ઉદબોધનમાં તેમણે યુનિવર્સિટીના દરેક વિભાગ માટે એક એમ પાંચ ફ્લેગશિપ સંશોધન કાર્યક્રમો દ્વારા યુનિવર્સિટીને ટેકો આપવા બદલ દિલીપ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો. ઉપરાંત તેમણે યુનિવર્સિટીના પી.એચ.ડી. કોર્સ માટે ૨૦ સ્કોલરને યુનિવર્સિટી ફેલોશીપ મંજુર કરવા બદલ સુશ્રી મોના ખંધાર, IAS અને ગુજરાત સરકારનો પણ આભાર માન્યો હતો.
આ પ્રસંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ સુશ્રી મોના ખંધારે, સભાને સંબોધિત કરી અને આજના વિશ્વમાં બાયોટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો. યુનિવર્સિટીના ચેરમેન શ્રી દિલીપ સંઘવીએ પ્રેરણાદાયી સંબોધન દ્વારા સ્નાતકોને સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા.
કેબીનેટ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે પોતાના પ્રેરક ઉદબોધનમાં સ્નાતકોને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા અને યુનિવર્સિટી દ્વારા ખુબજ ટૂંકાગાળામાં થયેલા વિકાસના કામોના અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત એનિમલ બાયોટેકનોલોજીમાં કુ. નેહા પાધી, એન્વાયર્નમેન્ટલ બાયોટેકનોલોજીમાં કુ.ચાંદની ટંડેલ, ઔદ્યોગિક બાયોટેકનોલોજીમાં કુ.ઐશ્વર્યા,મેડિકલ બાયોટેકનોલોજીમાં શ્રી આદિત કોટક અને પ્લાન્ટ બાયોટેકનોલોજીમાં સુશ્રી સિમરન દાનીને મહાનુભાવોના હસ્તે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમાં (યુનિવર્સિટીના ચેરમેન તેમજ સન ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર) દિલીપ સંઘવી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ સુશ્રી મોના ખંધાર, યુનિવર્સિટીની સલાહકાર પરિષદના અધ્યક્ષ તેમજ કોન્કોર્ડ બાયોટેક લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સુધીર વૈદ, એડિનબરા યુનિવર્સિટીના પ્રો. ડેવિડ લીચ, યુનિવર્સિટીના મહાનિર્દેશક ડૉ. સુબીર મજુમદાર, અને યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. જીતેન્દ્ર લીલાણી હાજર રહ્યા હતા.