Site icon Revoi.in

વંદે ભારત ટ્રેનના સ્લીપર વર્ઝનનો ફર્સ્ટ લૂક થયો જાહેર

Social Share

દિલ્હી: વંદે ભારત ભારતીય રેલ્વેની અત્યાર સુધીની સૌથી આધુનિક ટ્રેન છે. પોતાની ખાસ સુવિધાઓ અને બુલેટ જેવી સ્પીડના કારણે આ ટ્રેન લોકોની પહેલી પસંદ બની રહી છે. હવે રેલવે મંત્રાલય તેનું વધુ વિસ્તરણ કરવા જઈ રહ્યું છે. રેલ્વે મંત્રાલય આવતા વર્ષે એટલે કે 2024 સુધીમાં વંદે ભારત ટ્રેનનું સ્લીપર વર્ઝન દેશને રજૂ કરવા જઈ રહ્યું છે. તે ટ્રેનનો લુક અને ડિઝાઇન બધુ જ નક્કી કરવામાં આવ્યું છે. તેની તસવીરો પણ સામે આવી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

તાજેતરમાં, વંદે ભારત ટ્રેનના સ્લીપર વર્ઝનની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. વાયરલ તસવીરોમાં વંદે ભારત સ્લીપર ટ્રેન કોઈ આલીશાન હોટલ જેવી દેખાઈ રહી છે. કેટલાક નિષ્ણાતો પાસેથી મળેલી માહિતીના આધારે, એવું માનવામાં આવે છે કે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં 857 બર્થ હશે, જેમાંથી 34 સ્ટાફ માટે હોઈ શકે છે. પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન માર્ચ 2024માં ચેન્નાઈથી આવી શકે છે.

હાલમાં, દેશમાં માત્ર હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેનો દોડી રહી છે, જેનું નિર્માણ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નાઈ દ્વારા કરવામાં આવે છે. પરંતુ હવે ટૂંક સમયમાં દેશમાં વંદે ભારત સ્લીપર ટ્રેનનું સંચાલન પણ શરૂ થશે. આ ટ્રેનો પણ ICF દ્વારા બનાવવામાં આવશે. દેશના લોકોને વધુ સારી સુવિધા આપવા માટે ભારતીય રેલ્વેએ એક રશિયન કંપની સાથે કરાર કર્યો છે. જેઓ હવે સાથે મળીને 120 વંદે ભારત ટ્રેન બનાવવાનું કામ કરશે.