Site icon Revoi.in

પોલીસ કર્મચારીના પ્રશ્નો ઉકેલવા રચાયેલી કમિટીની પ્રથમ બેઠક કાલે બુધવારે મળશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં પોલીસ કર્મચારીઓને ગ્રેડ-પે આપવાની માગણી સાથે આંદોલન શરૂ થતાં સરકારે પ્રશ્નોને ઉકેલ માટે એક કમિટીની રચના કરી હતી. આ સમિતિની પ્રથમ બેઠક આવતીકાલે તા.3જીને બુધવારે ગાંધીનગર ખાતે બેઠક બોલાવવામાં આવી છે. જેમાં રાજ્યના છ જિલ્લાઓના પોલીસકર્મીઓના પ્રશ્નો પણ મંગાવવામા આવ્યા છે. જિલ્લાના પોલીસકર્મીઓની રજૂઆતો પણ સાંભળવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં આવતી કાલે તા.3જીને બુધવારે મળનારી કમિટીની બેઠકમાં ગાંધીનગર,મહેસાણા,બનાસકાંઠા,અરવલ્લી,પાટણ,સાબરકાંઠા અને એસઆરપીના કુલ 4 જૂથના કર્મચારીઓ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકશે. સ્થાનિક અને રાજ્યકક્ષાએ રચાયેલી ફરિયાદ નિકાલ કમિટીના સભ્યો તરીકે નિમણૂક પામેલા હોય અને હાલ ફરજમાં ચાલુ હોય તેઓને આ બાબતની જાણ કરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે તથા અન્ય લાભો મેળવવા માટે રજૂઆત હોય તો તેઓની રજૂઆતો ભેગી કરી તેની એક જ સંકલિત રજૂઆત લેખિત સ્વરૂપે મુદ્દાસર કમિટી સમક્ષ રજૂ કરવા જણાવવા તેમ જ તેઓને 3 નવેમ્બરે ગાંધીનગરમાં યોજાનારી કમિટીની બેઠકમાં હાજર રહે તે રીતે છુટા કરી મોકલી આપવા વિનંતી કરવામા આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતના વિવિધ કર્મચારી યુનિયનના દબાણથી કર્મચારીઓનો ગ્રેડ પે અને ભથ્થામાં સુધારા થઈ રહ્યા છે. રાજ્યના તમામ કર્મચારીઓના મળવા પાત્ર લાભ અંગે બંધારણીય સમાનતા જળવાઈ રહે તે માટે પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં રજૂઆત કરી કર્મચારીઓને વિવિધ સેવાઓ આપવામાં માંગણી કરવામાં આવી છે. રાજ્યના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલના ગ્રેડ પે ખૂબ ઓછા છે. જેના બદલે 4200, 3600, 2800 ગ્રેડ પે કરવા તેમજ ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓને મળતા વર્ષો જુના ભથ્થામાં તાત્કાલિક વધારો કરવા માગણી કરવામાં આવી છે. આ પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ પે વધારોની માંગણીની સાથે સાથે યુનિયન બનાવવાની પણ માંગણી કરી રહ્યા છે.