વડોદરામાં બનાવાઈ રાજ્યની પ્રથમ ઓપન જેલ, અહીં 60 કેદી રખાશે
અમદાવાદઃ ગુજરાતની મધ્યસ્થ અને સબ જેલોમાં હાલ હત્યા, લૂંટ અને ચોરી સહિતના ગંભીર કેસના આરોપીઓ સજા ભોગવી રહ્યાં છે. ત્યારે જેલમાં સજા ભોગવતા કેદીઓને રોજગારી મળી રહે અને સજા પુરી કરી સમાજમાં સારા નાગરિક તરીકે પુનઃ સ્થાપિત થાય તેવા હેતુથી વડોદરાના દંતેશ્વર ખાતે ઓપન જેલ બનાવવામાં આવી છે. આ ઓપન જેલમાં પાકા કામના 60 કેદીઓને રાખવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના દંતેશ્વરમાં ઓપન જેલ બનાવવાની દરખાસ્ત ઉપર વર્ષ 2015માં મંજુરીની મહોર મારવામાં આવી હતી. જેથી જેલ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. લગભગ 11.26 કરોડના ખર્ચે ગુજરાતની સૌપ્રથમ આધુનિક ઓપન જેલ બનીને તૈયાર થઈ ગઈ છે. અહીં પાકા કામના 60 કેદીઓને રાખવાની સરકારે મંજૂરી આપી છે. આપન જેલમાં 12 બેરેક બનાવાઈ છે. ઓપન જેલમાં કેદીઓ માટે મેડીટેશન હોલ, લાઈબ્રેરી, વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર, ઓપન થિયેટર, પ્રાઈમરી હેલ્થ સેન્ટર, ઈન્ડોર ગેમ હોલ, યોગા હોલ, કિચન, બાર્બર શોપ, ક્લોથીંગ સ્ટોર અને લોન્ડ્રીની પણ સુવિધા ઉભી કરાઈ છે.
ઓપન જેલમાં ફરજ બજાવનાર કર્મચારીઓ માટે 1.19 એકરમાં કુલ 9 ક્વોટર્સ બનાવવામાં આવ્યા છે. તેમજ જેલની ગતીવિધિ પર વોચ રાખવા બે હાઈ માસ્ટ પોલ પણ ઉભા કરાયા છે. ઓપન જેલમાં હત્યા કે હત્યાની કોશિષ સહિતના ગુનામાં પકડાયેલા જે પાકા કામના કેદીઓને લાંબી સજા થઈ છે, તેમને ઓપન જેલમાં રખાશે. જે માટે કેદીની વર્તૂણંક સહિતની બાબતો ધ્યાનમાં લેવામાં આવશે.