દેશની પ્રથમ એમઆરએનએ વેક્સિનના પ્રથમ તબક્કાનું પરિક્ષણ થયું પૂર્ણઃ આવતા વર્ષ સુધીમાં વેક્સિન મળવાની શક્યતાઓ
- એમઆરએનએ વેક્સિનના પ્રથમ તબક્કાનું પરિક્ષણ પૂર્ણ
- આવતા વર્ષે વેક્સિન મળી શકે છે
દિલ્હીઃ- દેશની પહેલી એમઆરએનએ વેક્સિન પર થઈ રહેલા પરિક્ષણનો પ્રથમ તબક્કો ડીબીટી વિભાગના નિષ્ણાંતોએ પૂર્ણ કરી લીધો છે. જો તમામ તબક્કા સફળતા પૂર્વક પૂર્ણ થાય છે તો આ વેક્સિન આવતા વર્ષ સુધીમાં ઉપલબ્ધ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે, આ વેક્સિન દ્વારા ઓછામાં ઓછી એક માત્રા પૂરતી એન્ટિબોડીઝ વિકસાવી શકે છે.
ભારત સરકારના ડીબીટી વિભાગના નિષ્ણાતોની મદદથી તૈયાર કરવામાં આવેલી આ રસીનું સૌ પ્રથમ પ્રાણીઓમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ માનવીય પરીક્ષણો શરૂ કરવામાં આવ્યા હતા. હાલમાં પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે પરંતુ હજી બે તબક્કાઓ પૂર્ણ થવા બાકી છે.
મળતી માહિતી મુજબ, એમઆરએનએ રસી જેનોવા ફાર્મા કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. કંપનીની દેખરેખ હેઠળ દેશની જુદી જુદી હોસ્પિટલોમાં આ પરિક્ષણો ચાલી રહ્યા છે. પરીક્ષણનો પ્રથમ તબક્કો હમણાં જ પૂર્ણ થયો છે, જેનો રિપોર્ટ કંપની આ અઠવાડિયામાં નિષ્ણાત એક્ઝિક્યુટિવ કમિટીને સોંપશે. આ પરીક્ષાનું પરિણામ આધારે એસઈસી વધુ પરીક્ષણ અંગે નિર્ણય લેશે.
જાણવા મળતી માહિતી પ્રમાણે પ્રથમ તબક્કા દરમિયાન વેક્સિનમાં એ જોવામાં આવે છે કે કોરોના માસે તે એન્ટિબોડીઝ બનાવવામાં સફળ રહી છે કે નહીં. અત્યાર સુધીની જે માહિતી બહાર આવી છે તેના આધારે, એમ કહી શકાય કે ભારતની પહેલી એમઆરએનએ રસી કોરોના સામે એન્ટિબોડીઝ વિકસાવવામાં સફળ રહી છે, પરંતુ તેની સલામતી અને એન્ટિબોડી સ્તર હજુ સુધી સંપૂર્ણપેણે જાણી શકાયું નથી. તેથી, કંપનીને વધુ બે તબક્કાઓ પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે.