આરટીઈનો પ્રથમ રાઉન્ડ સોમવારે જાહેર થશે, ફાળવેલી શાળામાં 5 દિવસમાં પ્રવેશ લઈ લેવો પડશે
રાજકોટઃ રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવે છે. RTE હેઠળ પ્રવેશ મેળવનારા બાળકોને ખાનગી શાળાઓમાં ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવતી હોય છે. રાજકોટ શહેરમાં RTE હેઠળ ધો.1માં પ્રવેશ લેવા માટે ફોર્મ ભરાયા હતા જેનો પ્રથમ રાઉન્ડ તારીખ 15 એપ્રિલને સોમવારે જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓને પહેલા રાઉન્ડમાં પ્રવેશ મળશે તેમને મોબાઈલમાં એસએમએસ મોકલીને જાણ કરવામાં આવશે અને 5 દિવસમાં જે સ્કૂલ ફાળવવામાં આવી છે ત્યાં એડમિશનની પ્રક્રિયા માટે હાજર થઇ જવાનું રહેશે. જો 5 કે તેથી વધુ દિવસ સુધી વિદ્યાર્થીના વાલી પ્રવેશ નહીં લે તો તે એડમિશન રદ કરવામાં આવશે.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ રાજકોટ શહેરમાં 12,693 વાલીઓએ અરજી કરી હતી જેમાંથી 10,451 અરજી માન્ય રાખવામાં આવી છે જ્યારે 583 અરજી રિજેક્ટ અને 1659 અરજી રદ કરવામાં આવી છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 8535 વાલીએ અરજી કરી હતી જેમાંથી 5703 અરજી માન્ય રાખવામાં આવી છે જ્યારે 965 અરજી રિજેક્ટ અને 1867 અરજી રદ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં RTE હેઠળ જેટલી બેઠકો ઉપલબ્ધ છે તેનાથી લગભગ 7 ગણા ફોર્મ ભરાયા હતા ત્યારે હવે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ 1 સીટ માટે 7 બાળક વચ્ચે સ્પર્ધા હોવાની સ્થિતિ સર્જાઈ છે. રાજકોટ શહેર અને જિલ્લાની આશરે 950થી વધુ ખાનગી શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને આરટીઈ હેઠળ નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, RTE હેઠળ માત્ર ગરીબ વર્ગના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત આપવાની યોજના છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ યોજનામાં આર્થિક રીતે સક્ષમ લોકો લાભ લઇ રહ્યાની ફરિયાદો ઊઠી હતી. ગયા વર્ષે જ્યારે આરટીઈ હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ જેમાં અનેક ગેરરીતિઓ અને ખોટા ડોક્યુમેન્ટને કારણે ફોર્મ રિજેક્ટ કરવા પડ્યા હતા. એક વાલીએ તો વાર્ષિક 9 લાખનું આઈટી રિટર્ન ફાઈલ કર્યું હતું અને આવકનો દાખલો 3 લાખનો કાઢવી આરટીઈમાં પ્રવેશ માટે ફોર્મ ભર્યું હતું. બીજા અનેક વાલીઓ જેઓ ખરેખર આર્થિક રીતે સક્ષમ હતા, છતાં મફત શિક્ષણ લેવા બાળકોના એડમિશન લેવડાવી રહ્યા છે અને તેના કારણે બીજા અનેક ગરીબોને પ્રવેશ મળતો નથી.