Site icon Revoi.in

ગુજરાતમાં ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષાનો 17મી ઓક્ટોબરથી થશે પ્રારંભ

Social Share

અમદાવાદઃ  રાજયભરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં આગામી તા.17 ઓકટોબરને મંગળવારથી પ્રથમ સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થશે. પ્રથમ સત્રમાં જૂનથી ઓકટોબર માસ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લઈને પ્રશ્નપત્ર તૈયાર કરાશે. જ્યારે ખાનગી શાળાઓ નિયત માળખાના આધારે શાળા કક્ષાએથી પોતે નિયત કરેલ સમયપત્રક પરીક્ષા યોજી શકશે.

ગુજરાતમાં તમામ સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા તા. 17થી 25 ઓકટોબર દરમિયાન યોજાશે. દરેક શાળાઓમાં એકસુત્રતા રહે તે માટે સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ અંગે જીસીઈઆરટીના સચિવ એસ.જે. ડૂમરોળીયા દ્વારા રાજયના તમામ પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પરિપત્ર ઈશ્યુ કરી દેવામાં આવ્યો છે. ધો.3થી 8ની પ્રથમ સત્રાંત કસોટી માટે ધોરણવાર અને વિષયવાર પરિરૂપ રાજય કક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ)ને આપવામાં આવેલ છે. આ નિયત પરિરૂપ મુજબ ડાયેય દ્વારા કસોટીપત્રો તૈયાર કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને સોંપવામાં આવશે. આ પરીક્ષામાં ધો.3થી 8ના વિવિધ વિષયોમાં જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસક્રમની માસવાર ફાળવણી અનુસાર પ્રથમ સત્રનો જૂનથી ઓકટોબર માસ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાશે.  ખાનગી પ્રાથમિક શાળાઓએ ગુજરાતી (પ્રથમ ભાષા) ગણિત, વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના કસોટી પત્રો રાજય કક્ષાએથી આપવામાં આવેલ માળખા (પરિરૂપ) મુજબ જ શાળાકક્ષાએ તૈયાર કરવાના રહેશે.  તેમજ સમાન સમયપત્રક મુજબ પરીક્ષા યોજવાની રહેશે બાકીના વિષયોની કસોટી ખાનગી શાળાઓએ નિયત માળખાના આધારે શાળા કક્ષાએથી પોતે નિયત કરેલ સમયપત્રક મુજબ યોજી શકશે.