Site icon Revoi.in

18મી લોકસભાનું પ્રથમ સત્ર 24મી જૂને મળશે, રાજ્યસભાની કાર્યવાહી 27મી જૂનથી શરૂ થશે

Social Share

નવી દિલ્હીઃ 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. આ સિવાય 264મી રાજ્યસભાનું સત્ર 27 જૂનથી શરૂ થશે. આ દરમિયાન નવા ચૂંટાયેલા સભ્યોની શપથવિધિ, લોકસભાના અધ્યક્ષની ચૂંટણી, રાષ્ટ્રપતિનું સંબોધન અને તેના પર ચર્ચા થશે. બંને ગૃહોના સત્ર 3 જુલાઈ સુધી ચાલશે. એમ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું.

સંસદીય બાબતોના પ્રધાને જણાવ્યું હતું કે, 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે, જેમાં નવા ચૂંટાયેલા સભ્યો શપથ લેશે. સત્રના પ્રથમ ત્રણ દિવસે નવા ચૂંટાયેલા નેતાઓને શપથ ગ્રહણ કરાવામાં આવશે. આ સાથે જ ગૃહના અધ્યક્ષની ચૂંટણી પણ હાથ ધરવામાં આવશે. સત્ર 3 જુલાઈના રોજ પૂર્ણ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે અને આગામી પાંચ વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા તૈયાર કરશે.

કેન્દ્રીય મંત્રી રિજિજુએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24.6.24 થી 3.7.24 સુધી નવા ચૂંટાયેલા સભ્યોના શપથ/સમર્થન, અધ્યક્ષની ચૂંટણી, રાષ્ટ્રપતિનું સંબોધન અને તેના પર ચર્ચા માટે બોલાવવામાં આવી રહ્યું છે. રાજ્યસભાનું 264મું સત્ર પણ 27 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈએ સમાપ્ત થશે. 27 જૂને રાષ્ટ્રપતિના સંબોધન પછી, વડા પ્રધાન મોદી સંસદમાં તેમની મંત્રી પરિષદ રજૂ કરે તેવી અપેક્ષા છે.

લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનના સારા પ્રદર્શન બાદ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચામાં ઈન્ડી ગઠબંધન આક્રમક રહી શકે છે. તેઓ વિવિધ મુદ્દાઓ પર એનડીએ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે. વડાપ્રધાન સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ પણ આપશે.