ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળે તેવા સંકેત મળી રહ્યા છે પાંચ દિવસનુ ચોમાસુ સત્ર તોફાની બની રહેશે. સરકારને ભીડવવા માટે કોંગ્રેસના ધારાસભ્યો તૈયારીઓ કરી રહ્યા છે. તાજેતરમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ કોંગ્રેસના ધારાસભ્યોની મહત્વની બેઠક ગાંધીનગર ખાતે બોલાવી હતી સમગ્ર દિવસ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો સચિવાલયમાં ફરી પોતાના વિસ્તારના કામોને લઈને મંત્રાલયમાં ફરી વળ્યા હતા. મોડી સાંજે વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના બંગલે બેઠકમાં હાજર થયા હતા જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
ગુજરાત વિધાનસભાના આવતા મહિને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મળનારા ચોમાસુ સત્રમાં કોંગ્રેસ દ્વારા કોરોનાની મહામારી દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલી નિષ્ફળ કામગીરી, ઓકિસજનની અછત, માછીમારોને આપવામાં આવેલું અપુરતું પેકેજ તેમજ શિક્ષણ અને બેરોજગારીના મામલે સરકારની ભીડવવામાં આવશે. તેમજ પેટ્રોલ–ડિઝલના વધતા ભાવો અને વધતી મોંઘવારીની સાથે સામાન્ય લોકોનું જીવન દોજખ બની ગયું છે તે તમામ બાબતોને ઉજાગર કરવા આ પાંચ દિવસ દરમિયાન આશ્ચર્યજનક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં કોરોના ની બીજી લહેર વિદાય થવાને આરે છે ત્યારે ત્રીજા સત્રનું આહવાન આજે કરી દેવામાં આવે તેવી શકયતા છે તે પૂર્વે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે જેમાં ચોમાસા સત્ર દરમિયાન હાથ ધરવાના કામકાજને આખરી કરવામાં આવશે.આ સત્ર દરમિયાન સરકાર દ્વારા પાંચેક જેટલા વિધેયક લાવવાની સરકારે તૈયારી શરૂ કરી દીધી છે. આ ચોમાસુ સત્ર તોફાની બની રહેશે તેવા સ્પષ્ટ્ર સંકેતો અત્યારથી મળી રહ્યા છે. વિપક્ષી નેતા પરેશ ધાનાણી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો ની મહત્વની બેઠક ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને બોલાવી હતી આ બેઠકમાં સરકારની વિવિધ મોરચે ઘેરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાની સૂત્રોમાંથી જાણવા મળે છે.